તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષ ઓફિસના જુનિયર કલાર્ક જય દિનેશ કુલકર્ણીને રૂા.૨,૦૦૦ની લાંચ લેતા સ્ટાફ કેન્ટીનમાંથી રંગેહાથ ઝડપી પાડતી એ.સી.બી.ની ટીમ
એ.સી.બી.ના મદદનીશ નિયામક એમ.એચ.પુંવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ચૌધરીએ છટકું ગોઠવી ભ્રષ્ટ કર્મચારીની ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દાણાપીઠ ખાતે આવેલા સરદાર પટેલ ભવનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ યોજીને લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્ષ વિભાગના ટેક્ષ મધ્યઝોનમાં જુનિયર કલાર્ક (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષીય આરોપી જય દિનેશ કુલકર્ણીને રૂપિયા ૨,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા એ.એમ.સી. ની સ્ટાફ કેન્ટીનમાંથી એ.સી.બી. ની ટીમે આબાદ ઝડપી લીધો છે.
આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે પોતાના મકાનના ટેક્ષબિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે કાયદેસરની અરજી આપી હતી. આ અરજી મંજૂર કરવાના બહાને પ્રોપર્ટી ટેક્ષ વિભાગના જુનિયર કલાર્ક જય દિનેશ કુલકર્ણીએ ફરિયાદીની ઓફિસે રૂબરૂ જઈને કામ કરી આપવાના બદલામાં કુલ રૂપિયા ૫,૦૦૦ ની લાંચની ગેરકાયદે માંગણી કરી હતી. તે પૈકીના રૂપિયા ૩,૦૦૦ આરોપીએ જે તે સમયે ફરિયાદીની ઓફિસમાં જ સ્વીકારી લીધા હતા અને બાકી રહેતા રૂપિયા ૨,૦૦૦ બે-ચાર દિવસમાં ચૂકવી આપવા માટે દબાણ કર્યું હતું.
ફરિયાદી નાગરિક આ બાકીની લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેમણે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી એ.સી.બી. કચેરીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની સત્તાવાર ફરિયાદના આધારે એ.સી.બી. ની ટીમ દ્વારા આજે દાણાપીઠ મ્યુનિસિપલ કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી જય દિનેશ કુલકર્ણીએ એ.એમ.સી. સ્ટાફ કેન્ટીન ખાતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના બાકી રહેતા રૂપિયા ૨,૦૦૦ સ્વીકાર્યા હતા. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એ.સી.બી. ની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર સફળ ઓપરેશન એ.સી.બી. અમદાવાદ એકમના મદદનીશ નિયામક એમ.એચ.પુંવારના સીધા સુપરવિઝન હેઠળ તથા એ.સી.બી. અમદાવાદના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રેપને અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ચૌધરી તથા તેમની ટીમે સફળતાપૂર્વક અંજામ આપીને ભ્રષ્ટ કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
