<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

‘ધોલેરા' સર નિહાળતા જગદીશ વિશ્‍વકર્મા

યુવા વર્ગ સાથે સંવાદ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખઃ કિરીટ પટેલ, નરેશ દેસાઇ સતત સાથે

ધોલેરા, તા. ૨૩: ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ધોલેરા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન (SIR)ના વિકાસ માટે જોયેલું સ્‍વપ્‍ન આજે કેવી રીતે સાકાર થઈ રહ્યું છે, તે યુવા કાર્યકર્તાઓને પ્રત્‍યક્ષ બતાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શનિવારે ભાવનગર શહેર અને જિલ્લાના ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે ધોલેરા SIRની વિશેષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્‍યક્ષ ડો. નરેશભાઈ દેસાઈ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રભારી શ્રી કિરીટભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

ધોલેરા SIRની મુલાકાતનો મુખ્‍ય હેતુ ભાવનગર મહાનગર અને જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓને ધોલેરામાં આકાર લઈ રહેલા આધુનિક ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ તેમજ ભવિષ્‍યમાં સર્જાનારી વિકાસની સંભાવનાઓ અંગે સ્‍થળ પર જ માહિતગાર કરવાનો હતો. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે ધોલેરાના વિકાસ માટે રજૂ કરેલી પરિકલ્‍પના અને તેના અમલીકરણની વર્તમાન સ્‍થિતિ વચ્‍ચેનો સંબંધ યુવા કાર્યકર્તાઓ પ્રત્‍યક્ષ સમજી શકે તે માટે આ વિશેષ પ્રવાસ યોજાયો હતો.

મુલાકાતના કાર્યક્રમમાં ધોલેરાના એક્‍ટિવેશન એરિયા, કેનાલ ફ્રન્‍ટ ડેવલપમેન્‍ટના બીજા તબક્કા, સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ તથા સામાજિક માળખાકીય સુવિધાઓ અંગેની વિશેષ બ્રીફિંગનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત ધોલેરા ખાતે વિકસાવવામાં આવી રહેલા વિવિધ ભૌતિક અને સામાજિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટ્‍સના સ્‍થળ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

માત્ર પ્રેઝન્‍ટેશન કે માહિતી પૂરતી મર્યાદિત ન રહેતાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ધોલેરામાં ચાલી રહેલા વિકાસકાર્યોને પોતાની નજરે જુએ અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ધોલેરા અંગેની પરિકલ્‍પના કેવી રીતે અમલમાં મુકાઈ રહી છે તે સમજે, એ આ સમગ્ર પ્રવાસનો કેન્‍દ્રસ્‍થાને રહેલો હેતુ હતો.

(2:50 PM IST)