તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી આપવી કે નહીં તે ટ્રસ્ટની વિવેકશક્તિ પર આધારિત છે , અરજદાર હક્ક દાવો નહીં થઈ શકે": હાઇકોર્ટમાં સુનાવણી
હાઇકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો કે સીધા કોર્ટમાં આવવાને બદલે સૌપ્રથમ આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ યોગ્ય રજૂઆત કરે. ટ્રસ્ટ દ્વારા લેવાનાર નિર્ણય બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.

અમદાવાદ :યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, રાત્રિ પૂજાની મંજૂરી આપવી કે નહીં તે સંપૂર્ણપણે આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટની વિવેકશક્તિ પર આધારિત છે અને અરજદાર આ મંજૂરી મેળવવા માટે પોતાના કોઈ કાયદેસરના અધિકાર કે હક્કનો દાવો કરી શકે નહીં.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી કોર્ટમાં પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને રાત્રિ પૂજા માટે ખૂબ જ મર્યાદિત ટ્રસ્ટોને જ આવી મંજૂરી આપવામાં આવતી હોય છે. સુરક્ષાના કારણોસર દરેકને આવી મંજૂરી આપવી શક્ય નથી.
ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, અરજદાર ટ્રસ્ટને ભૂતકાળમાં રાત્રિ પૂજા માટેની મંજૂરી મળેલી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે તેઓ સીધા કોર્ટમાં આવવાને બદલે સૌપ્રથમ આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ પોતાની યોગ્ય રજૂઆત કરે. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવનારા નિર્ણય બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.
આ કેસની વધુ સુનાવણી હવે આવતીકાલે હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે, જેમાં આગળની કાનૂની દલીલો પર કોર્ટ પોતાનો આદેશ આપી શકે છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
