તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
સમયસર શાળાઓ શરૂ કરી પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરીઃ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ
મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇ હિતકારી નિર્ણયો લેવા ભરત ગાજીપરા, જતીન ભરાડ સહિતના આગેવાનોની અપીલ

રાજકોટ, તા. ર૯ : રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સમયસર શાળાઓ શરૂ કરી ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. મહામંડળનું માનવું છે કે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને અપાયેલા ઓનલાઈન શિક્ષણના કારણે થયેલી શૈક્ષણિક, માનસિક અને વ્યવહારિક ક્ષતિઓની સંપૂર્ણ ભરપાઈ આજદિન સુધી શકય બની નથી.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા એ જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા, લેખન ક્ષમતા, સામાજિક સંવાદ અને શિસ્ત જેવા અનેક પાસાઓ પર અસર પડી હતી. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં મૂળભૂત શૈક્ષણિક કૌશલ્યોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે-તે સમયે ઓનલાઈન શિક્ષણ એક વિકલ્પરૂપ વ્યવસ્થા હતી, પરંતુ તે પ્રત્યક્ષ શિક્ષણનું સંપૂર્ણ વિકલ્પ બની શકયું નહોતું. આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર માસ પ્રમોશનથી પાસ કરવામાં આવ્યા હતા. પરિણામે આવા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ પછી વિષયની મૂળભૂત સમજણમાં મુશ્કેલીઓ પડી રહી છે. કોલેજ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે વધારાના પ્રયાસો કરવા પડી રહ્યા છે. આ પરિસ્થિતિ શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
શાળાઓ સમયસર શરુ કરવા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે પોતાનું મંતવ્ય રજુ કરતા જણાવ્યું કે રાજય સરકારની તેમજ સી.બી.એસ.સી. બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી ૨૦૨૭ માં લેવામાં આવનાર પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. તેમાં પણ જો શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય તો વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજો આવે છે અને પુનરાવર્તન તેમજ પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળતો નથી. તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ, શિસ્તબદ્ધ અભ્યાસક્રમ અને માનસિક સ્વસ્થતા માટે સમયસર શાળાઓ શરૂ કરી પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી બની ગઈ છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા, પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી અજયભાઈ પટેલ અને મનહરભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ ક્ષેત્રે સમયબદ્ધ અને હિતકારી નિર્ણયો લેવા અપીલ કરી છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
