તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જૂના ડીસામાં 240 મકાનોના ડિમોલિશનનો મામલો હવે ઉગ્ર બન્યો :પીડિત પરિવારો ઘરવખરી લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા
બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ કચેરી બહાર ધરણાં શરૂ કર્યા :ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી

બનાસકાંઠાઃ જૂના ડીસામાં 240 મકાનોના ડિમોલિશનનો મામલો હવે ઉગ્ર બન્યો છે. ન્યાયની માગ સાથે પીડિત પરિવારો ઘરવખરી લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ કચેરી બહાર ધરણાં શરૂ કર્યા હતા. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પીડિતોનો આક્ષેપ છે કે મકાનો તોડી પાડ્યા બાદ એકપણ પરિવારને આવાસ ફાળવવામાં આવ્યું નથી. રજૂઆત માટે માત્ર પાંચ લોકોને જ કચેરીમાં પ્રવેશ અપાયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ધરણાં કરી રહેલા લોકોને ડીસા રૂરલ પોલીસ મથકે લઈ જવાયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે જૂના ડીસામાં પ્રાણી સંગ્રહાલયના નિર્માણ માટે 240 મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી બાદ આવાસની માગ સાથે પીડિતો છેલ્લા સાત દિવસથી આંદોલન કરી રહ્યા છે. અન્નત્યાગને કારણે પાંચ જેટલી મહિલાઓની તબિયત લથડી હતી. તેમ છતાં ન્યાય નહીં મળે ત્યાં સુધી જળત્યાગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સરકાર દ્વારા 100થી વધુ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા હોવા છતાં અન્ય પરિવારોમાં નારાજગી છે. પીડિતોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
