<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

IPL મેચો - ડાયરાઓ જાહેર મેળાવડાઓ રદ કરો

કાળઝાળ ગરમીમાં ખેડૂતોની હાલત કફોડી થતાં ભાજપની ભગિની સંસ્‍થા કિસાન સંઘ લાલઘૂમ : સાધુ-સંતો, સરકાર અને સમાજ આવેઃ રમેશ પટેલ, મહામંત્રીઃ ખેડૂતો ખેતી છોડી દેશે તો સીધી અસર ભોજન ઉપર પડશે તેવી ચેતવણી

અમદાવાદ તા.૨૩: રાજ્‍યભરમાં ખેડૂતોને ડીઝલ મેળવવા માટે જે રીતે હવાતિયા મારવા પડી રહ્યા છે તેના કારણે ભાજપની ભગિની સંસ્‍થા ભારતીય કિસાન સંઘે પણ ભારે રોષ દાખવ્‍યો છે. કિસાન સંઘે આઈપીએલની મેચો, ડાયરાઓ અને જાહેર મેળાવડા રદ કરીને ખેડૂતોને તાત્‍કાલિક જેટલી જરૂર છે તેટલું ડીઝલ ઉપલબ્‍ધ કરાવવા સરકારને કહ્યું છે. એટલું જ નહીં જો પોમધખતા તાપમાં ખેડૂતો ડીઝલ માટે વલખાં મારતા ખેડૂતો જો ખેતી છોડી દેશે તો તેની સીધી અસર ભોજન ઉપર પડશે તેવી ચેતવણી પણ આપી છે.

ખેડૂતોને લગતા ડીઝલ, ડુપ્‍લીકેટ ખાતર, ટ્રેક્‍ટરની ટ્રોલી અને કેટલાક પાકની ખરીદીની પ્રક્રિયા સહિતના મુદ્દે કિસાન સંઘે આકરી પ્રતિક્રિયા આપી છે. સંગઠનના પ્રદેશ મહામંત્રી રમેશ પટેલે મીડિયાને જણાવ્‍યું હતું કે હાલ સામે ખેતીની સીઝન છે અને ટ્રેક્‍ટર માટે ડીઝલ અનિવાર્ય હોવાથી કાળઝાળ ગરમીમાં ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્‍યો છે. દૂર દૂરના ગામડાથી ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર જઈ રહ્યા છે પરંતુ તેમને જરૂરી પુરવઠો અનેક સ્‍થળે મળી રહ્યો નથી. તેમણે કહ્યું હતું કે આવા સમયે આઈપીએલ જેવી ક્રિકેટ મેચ યોજાઈ રહી છે તે રદ કરવી જોઈએ. સાધુ-સંતોએ પણ સમાજને અપીલ કરીને જાહેર મેળાવડા બંધ કરાવવા જોઈએ અને ડાયરાના કલાકારોએ પણ આવા સમયે પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈને તેમના કાર્યક્રમો સ્‍થગિત કરવા જોઈએ. સરકારને અને સમાજને અપીલ કરતા તેમણે એકપણ ટીપુ ડીઝલનો વપરાશ કરતા પહેલા ધોમધખતા તાપમાં ડીઝલ માટે વલખા મારતા ખેડૂતોની હાલત જોવા કહ્યું હતું. તેને ધ્‍યાનમાં રાખીને ઓછી એવરેજવાળી ગાડીનો ઉપયોગ ટાળવા પણ જણાવ્‍યું હતું.

તેમણે કોઈપણ નિર્ણય કરતા પહેલા ખેડૂતોને ધ્‍યાનમાં રાખવા જણાવ્‍યું હતું. જો ખેડૂતોને સમયસર ડીઝલ નહીં મળે અને ખેતી છોડી દેશે અથવા ઓછી ખેતી કરશે તો તેની સીધી અસર ભોજન ઉપર પડશે તેનું ધ્‍યાન રાખવા પણ જણાવ્‍યું હતું. પેટ્રોલ પંપના માલિકોને ખેડૂતોને ગરમીમાં ઉભા ન રહેવું પડે તેવી વ્‍યવસ્‍થા કરવા પણ જણાવ્‍યું હતું. તેમણે જો ખેડૂત પાસે સાતબારનો ઉતારો માગવામાં આવતો હોય તો તેને લાઈનમાં ઊભા નહીં રાખવા પણ માગ કરી હતી. 

સરકાર ખાતરની વ્‍યવસ્‍થા નહીં કરે તો ખેડૂતને ફરીથી લાઇનમાં ઊભા રહેવું પડશે

આગામી સીઝનમાં ખાતરની પણ પૂરતી વ્‍યવસ્‍થા સરકારે કરવી જોઇએ ફરીથી ખેડૂતને લાઇનમાં ઉભા રહેવાનો સમય ન આવે તેવી તાકીદ કિસાન સંઘે કરી છે. તે સાથે જણાવ્‍યું છે કે કન્‍સોડીયા બેઝ ખાતર ઉપર પ્રતિબંધ છતાં તેનું વેચાણ ચાલું છે. ગુજરાતમાં સબસીડાઇઝુ ખાતર સાથે અન્‍ય ખાતર નહીં અપાય તેવું વિધાનસભામાં કૃષિ મંત્રીએ કહ્યું છે તેનો ખાતર વિક્રેતા અને તેની કંપનીઓ ઉપર પણ ફરજીયાત અમલ કરાવવા માગણી કરી હેતી. ડુપ્‍લીકેટ ખાતરનું વેચાણ અટકાવવા અને બીટી બિયારણનું સેમ્‍પલિગ થાય છે કે નહીં તેવો સવાલ કરતા બેજવાબઘર ખેતીવાડી અધિકારીઓ સામે પગલા લેવા પણ જણાવ્‍યું હતું.

(10:29 AM IST)