<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સુરતના ભટારમાં ઊંઘતા ટ્રક ડ્રાઇવરના ખિસ્સા કાપી આઇફોન, રોકડા અને ડ્રાઈવીંગ લાયસન્સ સહિતની ચોરી

અમદાવાદથી સામાન લઈને આવેલા એક આઇસર ટ્રકને નિશાન બનાવી ચોરોએ અંદર સૂતેલા ડ્રાઇવરના ખિસ્સા હળવા કર્યા

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા સાંઈનાથ-1 ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ચોરીની એક અજીબોગરીબ અને શાતિર ઘટના સામે આવી છે. વહેલી સવારે અમદાવાદથી સામાન લઈને આવેલા એક આઇસર ટ્રકને નિશાન બનાવી ચોરોએ અંદર સૂતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી આઇફોન સહિત કિંમતી સામાન અને રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના અને ચોરોની કરતૂતો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી વિગતો મુજબ, એક આઇસર ટ્રક અમદાવાદથી સીટ ફોર્મનો જથ્થો લઈને ભટારના સાંઈનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવ્યો હતો. વહેલી સવારે ટ્રક પાર્ક કરીને ડ્રાઇવર કેબિનની અંદર જ સૂતો હતો. આ દરમિયાન તકનો લાભ લઈને ત્રાટકેલા ચોરોએ મોટી ચાલાકી વાપરી હતી. તેમણે આઇસર ટ્રકની કેબિનના આગળના કાચની રબર પટ્ટી ખૂબ જ કાળજીપૂર્વક કાપી નાખી હતી અને કાચ હટાવી અંદર પ્રવેશ કર્યો હતો.

ટ્રક ડ્રાઇવર ગાઢ નિદ્રામાં હતો તે દરમિયાન ચોરોએ કેબિનમાં ઘૂસી તેના ખિસ્સા હળવેથી સાફ કરી નાખ્યા હતા. ચોરો ડ્રાઇવરના ખિસ્સામાંથી રૂ. 10,000 ની રોકડ રકમ, એક કિંમતી iPhone અને એક Oppo કંપનીનો સ્માર્ટફોન તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ (DL) સહિતના તમામ જરૂરી સરકારી આઇડી પ્રૂફ અને દસ્તાવેજોની ચોરી કરી લેવામાં આવી હતી.

(1:12 AM IST)