તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં નવી સિવિલ ખાતે નર્સિંગ સ્ટાફનું ભવ્ય સન્માન
સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ - પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત : ત્રણ દાયકા સુધી સેવા આપનાર નિવૃત્ત નર્સીસનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું

સુરત: તા.૧૨મી મે એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દિન-રાત દર્દીઓની સેવા કરતી નર્સોના સમર્પણને બિરદાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં બે થી ત્રણ દાયકાઓ સુધી લાંબી સેવાકીય કારકિર્દી ભોગવી નિવૃત્ત થયેલા નર્સિંગ સ્ટાફનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
નિરાશાને આશામાં બદલવાની ક્ષમતા
આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નર્સની ભૂમિકાને બિરદાવતા જણાવ્યું હતું કે, નર્સ એ સમગ્ર સમાજમાં શિસ્ત અને નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. અજાણ્યા દર્દીઓને પોતાના ગણી શારીરિક અને માનસિક હૂંફ આપી સ્વસ્થ કરવામાં તેમની ભૂમિકા અનેરી હોય છે. તેમણે નર્સિંગ સ્ટાફને તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી ગણાવી હંમેશા સંયમ અને સ્મિત સાથે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
વર્તનમાં પરિવર્તન અને સંવેદનશીલતા
પૂર્વ હેલ્થ ડાયરેક્ટર (ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ 'વર્તનમાં પરિવર્તન' વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ આર્થિક અને માનસિક રીતે વિષમ પરિસ્થિતિમાં હોય છે, ત્યારે નર્સે અત્યંત સંવેદનશીલતા દાખવવી જોઈએ. તેમણે નર્સીસને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી લેવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત સોફ્ટ સ્કીલ ટ્રેનર પ્રિયંકાબેને વિનમ્ર વાણી અને રિસ્પોન્સિવ વલણ અપનાવવા અંગે સમજૂતી આપી હતી.
ઉપસ્થિત મહાનુભાવો
આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારીત્રી પરમાર, આરએમઓ ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન પટેલ તથા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્લાસ્ટિક સર્જન ડૉ. નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત મોટી સંખ્યામાં હેડ નર્સ, સ્ટાફ નર્સ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ સમાજમાં નર્સોના મહત્વ વિશે ગહન ચર્ચા કરી હતી.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
