<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગુજરાતના આંગણે આંતરરાષ્ટ્રીય સૈન્ય સંબંધો અને 'આત્મનિર્ભર ભારત'ની ઝાંખી: 'તરંગ શક્તિ ૨૦૨૬' યુદ્ધાભ્યાસમાં સામેલ ૩૨ દેશોના પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન અને અમદાવાદ સ્થિત C-295 વિમાન ઉત્પાદન પ્લાન્ટની લીધી મુલાકાત

​ભારતીય વાયુસેના દ્વારા આયોજિત મેગા બહુરષ્ટ્રીય એર એક્સરસાઇઝમાં ભાગ લઈ રહેલા વિદેશી લશ્કરી નિરીક્ષકોએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ શીશ નમાવ્યું; ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સની ફાઇવ-સ્ટાર સંરક્ષણ સુવિધા જોઈ ભારતની વધતી સૈન્ય-ઔદ્યોગિક ક્ષમતાના કર્યા મુક્તકંઠે વખાણ

​અમદાવાદ: ભારતીય વાયુસેનાના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલા દેશના સૌથી મોટા બહુરષ્ટ્રીય વાયુસેના યુદ્ધાભ્યાસ ‘તરંગ શક્તિ ૨૦૨૬’ (Exercise Tarang Shakti 2026) માં ભાગ લઈ રહેલા વિશ્વના ૩૨ દેશોના સૈન્ય પ્રતિનિધિઓ અને નિરીક્ષકોએ ગુજરાતની વિશેષ મુલાકાત લીધી હતી. વાયુસેનાના આ મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે વિદેશી ડેલિગેશને નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (Statue of Unity) તેમજ અમદાવાદ સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સી-૨૯૫ (C-295) સૈન્ય વિમાન નિર્માણ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લઈ ભારતની વિરાટ સાંસ્કૃતિક વિરાસત અને આધુનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનું નિરીક્ષણ કર્યું હતું.

​મુલાકાત દરમિયાન તમામ ૩૨ દેશોના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને નિરીક્ષકોએ એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના દર્શન કર્યા હતા. તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના જીવન અને ભારતના એકીકરણમાં તેમના યોગદાન વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રતિનિધિમંડળે નજીકમાં આવેલા વિવિધ વનસ્પતિઓ અને ઔષધીય છોડથી સજ્જ 'આરોગ્ય વન' (Arogya Van)ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને કુદરતી પર્યાવરણના અનોખા સંગમની પ્રશંસા કરી હતી.

​પ્રવાસના બીજા ચરણમાં વિદેશી લશ્કરી પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે આવેલા 'ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ' (TASL)ના અત્યાધુનિક C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું. ભારત સરકારના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ વખત સ્થાપવામાં આવેલા આ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં થઈ રહેલા સૈન્ય પરિવહન વિમાનોના એસેમ્બલિંગ અને નિર્માણ કાર્યને જોઈને વિદેશી નિરીક્ષકો ભારે પ્રભાવિત થયા હતા.

​ઉલ્લેખનીય છે કે 'તરંગ શક્તિ ૨૦૨૬' એર એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્ર દેશો સાથે સંરક્ષણ સહયોગ વધારવો, સૈન્ય વ્યુહરચનાઓનું આદાન-પ્રદાન કરવું અને ભારતના સંરક્ષણ ઉદ્યોગની શક્તિનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવાનો છે. આ વૈશ્વિક યુદ્ધાભ્યાસમાં જોડાવા આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ગુજરાતમાં ભારતીય ઇતિહાસ, કુદરતી સૌંદર્ય અને ઉચ્ચ તકનીકી સંરક્ષણ ઉત્પાદનનું અદભુત મિશ્રણ જોઈને ભારતની વધતી વૈશ્વિક ક્ષમતાના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

(4:59 PM IST)