<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો વિસ્ફોટ: "કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, બીજું કોઈ નહીં", ગુલાબસિંહ રાજપૂતે જાહેરમાં પક્ષના જ નેતાઓનો ઉધડો લીધો

ડીસામાં 'આભાર દર્શન' કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યના આકરા પ્રહાર: ટિકિટ ન મળતા 'ઘરના જ ઘાતકી' બનતા હોવાની કબૂલાતથી રાજકીય ગરમાવો, સંગઠન સામે ઉઠ્યા સવાલો

ડીસા, તા.૦૭: બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડીસા ખાતે આયોજિત 'આભાર દર્શન' કાર્યક્રમમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ પક્ષની નબળાઈઓ પર આકરા પ્રહાર કરતા સ્વીકાર્યું હતું કે, કોંગ્રેસને બહારના વિરોધીઓ કરતાં પક્ષની અંદર રહેલા લોકોથી વધુ જોખમ છે. આ નિવેદન બાદ બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.
ગુલાબસિંહ રાજપૂતે જાહેર મંચ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસને હરાવવા માટે કોઈ બહારની શક્તિની જરૂર પડતી નથી, પક્ષના પોતાના લોકો જ તેને હરાવવા પૂરતા છે." તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણી સમયે જ્યારે ટિકિટની વહેંચણી થાય છે, ત્યારે છેલ્લી ઘડી સુધી અનેક નેતાઓ ટિકિટ મેળવવા લોબિંગ કરે છે, પરંતુ જો તેમને ટિકિટ ન મળે તો તે જ નેતાઓ પક્ષને જીતાડવાને બદલે હરાવવાના કામે લાગી જાય છે. આ કબૂલાતે પક્ષના શિસ્ત અને સંગઠન સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.
ભૂતકાળની હાર માટે પક્ષના નેતાઓને જવાબદાર ગણાવ્યા
બનાસકાંઠાના રાજકીય ઈતિહાસનો ઉલ્લેખ કરતા ગુલાબસિંહ રાજપૂતે રોકટોક શબ્દોમાં કહ્યું કે, અહીં જ્યારે પણ કોંગ્રેસની હાર થઈ છે, ત્યારે તેમાં પક્ષના જ લોકોનો હાથ રહ્યો છે. વિરોધ પક્ષ કરતા ઘરના જ લોકો વધુ નુકસાનકારક સાબિત થયા છે. તેમણે આ નિવેદન દ્વારા કાર્યકરો અને નેતાઓને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગુલાબસિંહના આ "સત્યના પ્રયોગ" બાદ કોંગ્રેસનું હાઈકમાન્ડ સંગઠનમાં રહેલા આ છુપા 'વિરોધીઓ' સામે શું કાર્યવાહી કરે છે.

(5:17 PM IST)