<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો : અહેમદભાઈ પટેલ ના દીકરી મુમતાઝ પટેલની X પોસ્ટથી ભરૂચનું રાજકારણ ગરમાયું

"એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી" : અહેમદભાઈ પટેલની દીકરીએ પાર્ટીને આપ્યો કડવો સંદેશ, ચૂંટણી વચ્ચે સંગઠનની નબળાઈ પર ઉઠાવ્યા સવાલ

ભરૂચ, તા.16: ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડી ગયો છે. દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલની દીકરી અને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.

 

મુમતાઝ પટેલે પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું કે, "મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે…પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ …એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. 

 

મુમતાઝ પટેલે પાર્ટીની અંદર એકતા ન હોવાનો મુદ્દો સ્પષ્ટ રીતે ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે જો સંગઠનમાં એકજૂટતા નહીં હોય તો પ્રચાર કરવાનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ઘડીએ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરો એક દિશામાં કાર્ય કરે તે જરૂરી છે, નહીં તો તેનો સીધો અસર પરિણામ પર પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર દેખાવ ખાતર પ્રચાર કરવાથી જીત મળતી નથી, ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત હોવું અનિવાર્ય છે.

 

મુમતાઝની આ પોસ્ટ સીધો સંકેત આપે છે કે સ્થાનિક સ્તરે નેતાઓ અને કાર્યકરો વચ્ચે તાલમેલનો ભારે અભાવ છે. સોશિયલ મીડિયામાં કરેલી આ પોસ્ટથી પાર્ટીમાં નેતાઓ વચ્ચે ચાલી રહેલા મનભેદ હવે સપાટી પર આવ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણી દરમિયાન આ પ્રકારની પોસ્ટ પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે કાર્યકરોમાં ગેરસમજ અને નિરાશા ફેલાવી શકે છે. 

 

ભરૂચ બેઠક પર બેઠકોની વહેંચણીને લઈને અગાઉ પણ અનેક વિવાદો થઈ ચૂક્યા છે. એકબાજુ ભાજપનું પોતાનું માળખું મજબૂત કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણને કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ સુધી આ મુદ્દે કોંગ્રેસના અન્ય કોઈ મોટા સ્થાનિક નેતાઓ દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

(4:44 PM IST)