<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને આંતરિક મનોમંથન : ભાજપ ચારેય બેઠકો પર વિજય પતાકા લહેરાવશે

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ જોરશોરથી ચર્ચામાં જોડાયું :પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજાના નામો ચર્ચામાં: પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામો પર પણ વિચારણા

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ ચારેય બેઠકો પર વિજય પતાકા લહેરાવવા માટે અત્યારથી જ આંતરિક સ્તરે જોરદાર મનોમંથન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે પણ પ્રદેશ કક્ષાએથી માત્ર નામોની પેનલ તૈયાર કરી દિલ્હી મોકલવામાં આવશે અને આખરી મહોર પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ જ લગાવશે.

  રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આગામી 6ઠ્ઠી જૂનની આસપાસ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 4 બેઠકો માટેના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી પક્ષના આંતરિક મોરચે બેઠકો અને સ્ક્રીનિંગની પ્રક્રિયાઓ તેજ ગતિએ ચાલશે.

આ વખતે રાજ્યસભાની રેસમાં ભાજપના અનેક દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓના નામ મોખરે ચાલી રહ્યા છે, જેમાં પ્રદેશ સંગઠન અને પૂર્વ સરકારના મંત્રીઓનો સમાવેશ થાય છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજાના નામો હાલ ચર્ચામાં સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામો પર પણ ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે.

મહિલા નેતૃત્વ અને નવા ચહેરા: મહિલા પ્રતિનિધિત્વ તરીકે દીપિકાબેન સરાડવા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ પણ જોરશોરથી ચર્ચામાં જોડાયું છે. આ ઉપરાંત રઘુભાઈ હુંબલના નામની પણ રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે.

(12:03 AM IST)