News of Tuesday, 29th September 2026
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સઘન સમીક્ષા બેઠક યોજાઈ : ડેન્ગ્યુ અને મેલેરિયા સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનો દાવો
ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયામાં ૨૨ ટકા અને ડેન્ગ્યુમાં ૩૯.૬ ટકાનો ઘટાડો : મચ્છરોના ઉપદ્રવ તથા બ્રીડિંગ સાઇટ્સનો નાશ કરવા મહાનગરપાલિકાઓ અને કલેક્ટરોને કડક સૂચના

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં સઘન બનાવવાના ભાગરૂપે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર આંકડાકીય અને વહીવટી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠક દરમિયાન આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ૨૨ ટકા અને ડેન્ગ્યુના કેસોમાં ૩૯.૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન ૪૨ હોસ્પિટલોના નિદાન કેન્દ્રો દ્વારા ડેન્ગ્યુના શંકાસ્પદ ૧.૩૫ લાખથી વધુ સીરમ સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં માત્ર ૨,૦૯૯ કેસ પોઝિટિવ સામે આવ્યા છે. મંત્રીએ રાજ્યભરમાં ચાલી રહેલી 'હાઉસ ટુ હાઉસ' સર્વેલન્સ ઝુંબેશ અને સીરમ સેમ્પલિંગ કામગીરીની જાતે ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, આરોગ્ય રાજ્ય મંત્રીએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સાથે તાકીદની બેઠક યોજવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો તથા તેમના પ્રજનન સ્થાનો (બ્રીડિંગ સાઇટ્સ) નો નાશ કરવા માટે સઘન સફાઈ અને નાશ ઝુંબેશ ચલાવવાની કડક સૂચના આપી હતી.
રાજ્યના તમામ CHC અને PHC સેન્ટરો ખાતે તાવ તથા ડેન્ગ્યુના યોગ્ય નિદાન અને સારવાર સુવિધાઓની સમીક્ષા કરતાં મંત્રીએ દરેક કેન્દ્ર પર દવાનો પૂરતો જથ્થો અને નિદાન કિટ્સ ઉપલબ્ધ રાખવા ચકાસણી હાથ ધરી હતી. જે આરોગ્ય કેન્દ્રોમાં ક્ષતિ કે અછત જણાઈ ત્યાં તાત્કાલિક ઘટતી સુવિધાઓ પૂરી કરવા આદેશો કરાયા હતા. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને ઘર આસપાસ સ્વચ્છતા જાળવી પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી હતી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
