News of Monday, 7th September 2026
શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) અને પેટન્ટ જાગૃતિ પર એક દિવસીય સેમિનાર સંપન્ન
વિદ્યાર્થીઓને સંશોધનનું મહત્વ, નવા આઈડિયાઝનું કાનૂની રક્ષણ, પેટન્ટ ફાઇલિંગ પ્રક્રિયા અને શોધની પાત્રતા અંગે ઊંડાણપૂર્વક તેમજ રસપ્રદ શૈલીમાં વ્યવહારુ માર્ગદર્શન અપાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને નવા સંશોધનોના કાનૂની સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાના ઉદ્દેશ સાથે શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે એક દિવસીય વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર પ્રાયોજિત તેમજ ‘મંથન’ નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજના ઈનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેનો વિષય ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પેટન્ટ અવેરનેસ એન્ડ પેટન્ટેબિલિટી ક્રાઇટેરિયા’ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર (SFLC) ના પેટન્ટ કન્સલ્ટન્ટ પ્રશાંત શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંશોધનનું મહત્વ, નવા આઈડિયાઝનું કાનૂની રક્ષણ, પેટન્ટ ફાઇલિંગ પ્રક્રિયા અને શોધની પાત્રતા અંગે ઊંડાણપૂર્વક તેમજ રસપ્રદ શૈલીમાં વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ આઈપી ઓફિસર ભૂમિકાબેન વસાવા, ડિસ્ટ્રિક્ટ સાયન્સ કોમ્યુનિકેટર કલ્પનાબેન તેમજ સોનલબેન વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનાર દરમિયાન કોલેજ માં પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલા ની સુપુત્રી ડૉ. હિમાની માંગરોલા દ્વારા ૨ (બે) નવી પેટન્ટ ફાઈલ કરવાની ગૌરવપૂર્ણ સિદ્ધિની સવિશેષ નોંધ લઈ, મંચ પરથી તેમની આ નોંધપાત્ર સફળતા બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમના ઉત્તરાર્ધમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને ઉત્સાહવર્ધન અર્થે એક ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એસ.વાય.બી. એસ.સી. (S.Y. B.Sc.) ના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતા મેળવી હતી:
* પ્રથમ ક્રમાંક: વસાવા દીયા સતીશભાઈ
* દ્વિતીય ક્રમાંક: વસાવા નિધિબેન વિજયભાઈ
* તૃતીય ક્રમાંક: વસાવા હર્ષિદા રમણભાઈ
તમામ વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજ ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર ડૉ. દિનેશકુમાર પ્રજાપતિએ કર્યું હતું. આ સેમિનારમાં કોલેજના અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
