<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

૯૦ વર્ષના હીરાબા નરેન્‍દ્રભાઇને મળવા દિલ્‍હી પહોંચવાના બદલે પહોંચી ગયા ગુડગાંવ

મુસાફરી દરમિયાન કયાં ઉતરવું તેની મુંજવણ ઉભી થતા ગુંડગાવ ઉતરી ગયેલ : નવસારીની સરકારી કચેરીમાં પરિચિત વ્‍યકિતનો સંપર્ક કરતા તુરંત સંકલન કરી હીરાબાને પરત લવાયા

નવસારીઃ શહેરમાં હીરાબા વિજલપોરના સંભાજીનગર વિસ્‍તારમાં એકલા રહે છે અને સ્‍થાનિક સ્‍તરે રાજકીય તથા જાહેર કાર્યક્રમોમાં નેતાઓને મળવા માટે પહોંચતા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તાજેતરમાં નવસારીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના કાર્યક્રમ દરમિયાન પણ તેઓ તેમને મળવા પહોંચ્‍યા હતા. આ અગાઉના સંપર્કો અને નેતાઓ પ્રત્‍યેના તેમના અંગત લગાવને કારણે તેઓ વડાપ્રધાનને મળવા માટે દિલ્‍હી જવા નીકળ્‍યા હોવાનું જણાવાયું છે.

હીરાબાએ વડાપ્રધાનને મળવા જવાના પોતાના હેતુ અંગે જણાવ્‍યું હોવાનું સામે આવ્‍યું છે કે તેઓ નરેન્‍દ્રભાઇ મોદીને એકવાર રૂબરૂ મળીને આશીર્વાદ આપવા માંગે છે. નવસારીમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હોય ત્‍યારે સ્‍ટેજ પર મળવાનો મોકો મળવો મુશ્‍કેલ રહેતો હોવાથી દિલ્‍હી જઈને મળવાનો વિચાર આવ્‍યો હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

નવસારીથી ટ્રેનમાં દિલ્‍હી જવા નીકળેલા હીરાબા મુસાફરી દરમિયાન મૂંઝવણમાં મુકાયા હતા. કયાં ઉતરવું અને દિલ્‍હી પહોંચવા માટે કયા સ્‍ટેશનની પસંદગી કરવી તે અંગે ગૂંચવણ થતાં તેઓ હરિયાણાના ગુડગાંવ રેલવે સ્‍ટેશને ઉતરી ગયા હતા. અચાનક અજાણ્‍યા શહેરમાં પહોંચતાં તેમની મુશ્‍કેલી વધી હતી, કારણ કે તેમની સાથે કોઈ પરિવારજન કે પરિચિત વ્‍યક્‍તિ નહોતી.

અહેવાલ મુજબ, હીરાબા પાસે અગાઉ કલેક્‍ટર કચેરીમાં ફરજ બજાવતા એક યુવાનનો સંપર્ક નંબર હતો. તેમણે સંપર્ક કરતાં આ અંગે નવસારીના સંબંધિત આગેવાનોને જાણ થઈ હતી. ત્‍યારબાદ ગુડગાંવ પોલીસ અને ગુજરાતના સંબંધિત અધિકારીઓ વચ્‍ચે સંકલન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્‍વની બાબત એ રહી કે વળદ્ધા અજાણ્‍યા શહેરમાં લાંબા સમય સુધી એકલા ન રહે અને સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરી શકે તે માટે સમયસર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(4:01 PM IST)