<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

અંબાપુર કેનાલના પ્રવાહમાં પિતા અને મામાને ડૂબતા જોઈ માસૂમ દીકરી કૂદી:પિતા-પુત્રીને બચાવી લેવાયા :3 દિવસથી યુવકની શોધખોળ ચાલુ

ગાંધીનગરના લેકાવાડા ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા જવાનનો બેંગલોરથી રાખડી બંધાવવા આવેલો એન્જિનિયર સાળો અંબાપુર કેનાલ પર ફરવા દરમિયાન પગ લપસી જતાં ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયો

ગાંધીનગરના લેકાવાડા ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા જવાનનો બેંગલોરથી રાખડી બંધાવવા આવેલો એન્જિનિયર સાળો અંબાપુર કેનાલ પર ફરવા દરમિયાન પગ લપસી જતાં ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો. તેને બચાવવા જતાં એરફોર્સ જવાન પિતા અને પુત્રી પણ ડૂબવા લાગ્યા હતા, પરંતુ સ્થાનિક રાહદારીઓએ સમયસૂચકતા વાપરીને બંનેને હેમખેમ બહાર કાઢી લીધા હતા. જોકે ફાયર બ્રિગેડ અને બહિયલના તરવૈયાઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં કેનાલના તેજ વહેણમાં તણાઈ ગયેલા એન્જિનિયર યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

 

તહેવારોની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ જવાની એક હૃદયદ્રાવક ઘટના ગાંધીનગર નજીક આવેલી અંબાપુર કેનાલ પર સામે આવી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેનના ઘરે હર્ષોલ્લાસથી પહોંચેલો ભાઈ કાળનો કોળિયો બનતા તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. ગાંધીનગરના લેકાવાડા સ્થિત એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગૌરવ યોગીનો સાળો રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેન પાસે રાખડી બંધાવવા ખાસ બેંગલોરથી આવ્યો હતો. તહેવારના ઉત્સાહ વચ્ચે ગુરુવારે ઢળતી સાંજે ગૌરવભાઈ પોતાના બે સંતાનો અને સાળા અંકિતને લઈને અંબાપુર કેનાલ તરફ ફરવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન અંકિત કેનાલના કિનારે ઉતરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે જોતજોતામાં કેનાલના ઊંડા ધસમસતા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. સાળાને આ રીતે પાણીમાં ડૂબતો જોઈને તેને બચાવવાના અથાક પ્રયાસમાં ગૌરવ યોગી પણ તુરંત કેનાલમાં કૂદી પડ્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેઓ પણ ડૂબવા લાગ્યા હતા. ત્યારે કિનારે ઊભેલી ગૌરવભાઈની નાની દીકરીએ પોતાના પિતા અને મામાને આ રીતે મોત સામે ઝૂઝતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ગભરાટમાં તે પણ કેનાલમાં ઉતરી ગઈ હતી. આમ એક જ પરિવારના ત્રણેય સભ્યો કેનાલના ઊંડા પાણીમાં હોમાઈ રહ્યાં હતાં.

 

આ દ્રશ્ય જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક રાહદારીઓએ ભારે સમયસૂચકતા અને હિંમત દાખવી તુરંત કેનાલમાં ઝંપલાવ્યું હતું. રાહદારીઓએ ગૌરવભાઈ અને તેમની બાળકીને તો બહાર કાઢી લીધા હતા પરંતુ કમનસીબે અંકિત પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ મથકના એએસઆઈ વિશાલભાઈ જયંતીભાઈ ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

 

જેના પગલે ગુરુવાર મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવાયું હતું.પરંતુ અંધારું થઈ જતાં બચાવ કામગીરી સ્થગિત કરવી પડી હતી. બીજા દિવસે શુક્રવારે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.પરંતુ બપોર સુધી અંકિતનો કોઈ જ પત્તો ન મળતા આખરે બહિયલના કુશળ તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. સાંજના સમયે તરવૈયાઓએ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવા છતાં કોઈ સફળતા મળી ન હતી.

 

(6:20 PM IST)