<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

નવસારીના ચીખલી પંથકમાં ઘર આંગણે રમતા માસૂમ બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો

મીણકચ્છ ગામે અચાનક વીજળી ગુલ થતા અંધારાનો લાભ લઈને દીપડાએ બાળક પર તરાપ મારી:દીપડો બાળકને પકડીને આશરે 15 ફૂટ સુધી ખેંચી ગયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા મીણકચ્છ ગામે હિંસક દીપડાએ આતંક મચાવ્યો હતો. ઘટના એમ બની હતી કે, ગામમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી, ચારે બાજુ અંધારું છવાયું હતું. તે સમયે 13 વર્ષનો બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. બાળકને ખબર નહોતી કે, હિંસક પ્રાણી છૂપાઈને તેને નિશાન બનાવવાનો તક શોધી રહ્યું છે. અંધારાનો લાભ લઈને શિકારની શોધમાં આવેલા દીપડાએ બાળક પર તરાપ મારી હતી. દીપડો બાળકને પકડીને આશરે 15 ફૂટ સુધી ખેંચી ગયો હતો.

પુત્રની ચીસાચીસ સાંભળીને માતા તરત જ બહાર દોડી આવી હતી. માતાએ હિંમતભેર જોરજોરથી બૂમો પાડતા આસપાસના લોકો પણ એકઠા થવા લાગ્યા હતા. માતાનો અવાજ સાંભળીને દીપડો બાળકને છોડીને અંધારામાં ખેતર તરફ નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તબીબોએ તેને 3 ટાંકા લીધા હતા. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે તાબડતોબ 3 પાંજરાં ગોઠવી દીધાં છે.

 

ચીખલી પંથકમાં દીપડાની મુવમેન્ટ સતત વધી રહી છે. ચાસા ગામે દીપડાએ એક બકરાનો શિકાર કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. આ ઉપરાંત સોલધરા ઇકો પોઇન્ટ નજીક કામ કરતા શ્રમજીવીઓ પાસે પણ દીપડો અચાનક આવી ચડ્યો હતો. ઉપરાઉપરી બની રહેલી આ ઘટનાઓને કારણે ખેતીકામ કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે, લોકો સાંજના સમયે ઘરની બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે.

(2:34 PM IST)