News of Wednesday, 15th July 2026
નડિયાદના જૂના ડુમરાલ રોડ પર કેનાલમાં એક માસૂમ બાળક ડૂબી ગયું :ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ
કેનાલ નજીક ચાલતા સાયકલ ટ્રેકના કામમાં રોકાયેલા એક શ્રમિકનું બાળક રમતા-રમતા અચાનક કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું

નડિયાદના જૂના ડુમરાલ રોડ પર આવેલી કેનાલમાં એક માસૂમ બાળક ડૂબી જવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં કેનાલ નજીક ચાલી રહેલા સાયકલ ટ્રેકના કામમાં રોકાયેલા એક શ્રમિકનું બાળક રમતા-રમતા અચાનક કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને શ્રમિક પરિવારોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બાળક કેનાલમાં ડૂબી ગયું હોવાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને કેનાલના વહેતા પાણીમાં બાળકની શોધખોળ શરૂ કરી છે. કેનાલના પ્રવાહ વચ્ચે બાળકને સહીસલામત કે વહેલી તકે શોધી કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ, બાળકના પિતા ઘટના સ્થળે ચાલી રહેલા નગરપાલિકાના સાયકલ ટ્રેકના નિર્માણ કાર્યમાં મજૂરી કામ કરે છે. માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન માસૂમ બાળક રમતા-રમતા કેનાલ કિનારે પહોંચી ગયું હતું અને પગ લપસતા સીધું પાણીમાં ખાબક્યું હતું. પોતાનું વહાલસોયું બાળક નજર સામે ગુમ થતાં શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
