<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અમદાવાદમાં મિત્રતાની આડમાં નરાધમનું અમાનવીય કૃત્ય: ભાઈના મિત્રએ લગ્નની લાલચ આપી યુવતીનું જીવન બરબાદ કર્યું

પરિણીત હોવાની વાત છુપાવી યુવતીને બનાવી ગર્ભવતી: સરખેજ પોલીસે હત્યાના ગુનામાં અગાઉ સંડોવાયેલા નરાધમને દબોચ્યો

અમદાવાદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભાઈના મિત્રએ જ વિશ્વાસઘાત કરીને યુવતીની જિંદગી સાથે ચેડાં કર્યા છે. વિજય બાવળીયા નામના નરાધમે પોતાની પરિણીત હોવાની ઓળખ છુપાવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નના ખોટા વાયદા કરી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ હવસખોરના અત્યાચારને કારણે યુવતી ગર્ભવતી બની હતી, જેનાથી યુવતીના પરિવારમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.

એકલતાનો લાભ લઈ હવસનો શિકાર બનાવી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિજય બાવળીયા યુવતીના ભાઈનો ખાસ મિત્ર હતો, જેના કારણે તેનું યુવતીના ઘરે અવાર-નવાર અવર-જવર રહેતી હતી. જ્યારે યુવતી ઘરે એકલી હોય ત્યારે આરોપી તેની એકલતાનો લાભ લઈને તેને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરતો હતો. આ રીતે સાતથી આઠ વખત યુવતીની મજબૂરીનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે તે સતત બહાના બનાવતો હતો. અંતે, યુવતીએ તેના ઘરે જઈને સત્ય જાણતા ખબર પડી કે તે પહેલેથી જ પરણેલો છે અને તેને એક દીકરો પણ છે.

હત્યાના ગુનામાં અગાઉ પણ રહી ચૂક્યો છે જેલવાસ

આરોપી વિજયની ગુનાહિત માનસિકતા વિશે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, તે અગાઉ વર્ષ 2017માં નરોડામાં નોંધાયેલા એક હત્યાના ગંભીર કેસમાં પણ આરોપી રહી ચૂક્યો છે. આ કેસમાં તે જામીન પર જેલમાંથી બહાર હતો અને ફરી એકવાર આવા ઘૃણાસ્પદ કૃત્યમાં પકડાયો છે. હાલમાં સરખેજ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિજયની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આરોપીના ભૂતકાળના રેકોર્ડ અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ, તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.

(10:19 PM IST)