તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો : જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં સિલ્વર અને કુલ 194 કિલો વજન ઊંચકી બ્રોન્ઝ મેડલ જીત્યો
મહાત્મા મંદિર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતીય મહિલા લિફ્ટરનું શાનદાર પ્રદર્શન : ચીનની જીનલાન ઝાઓએ ગોલ્ડ મેડલ કબજે કર્યો : કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભારતની એન્ટ્રી

ગાંધીનગર : અહીંના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટર ખાતે 11 મે 2026 થી શરૂ થયેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજા દિવસે ભારતે મેડલ ટેલીમાં સફળતા મેળવી છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 28 એશિયન દેશો અને 2 કોમનવેલ્થ રાષ્ટ્રોના કુલ 178 ચુનંદા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે આવી જ્યારે 53 કિલો વજન વર્ગમાં ભારતની જ્ઞાનેશ્વરી યાદવે પોતાની તાકાતનું પ્રદર્શન કરીને બે મેડલ પોતાના નામે કર્યા હતા.
સ્નેચ અને કુલ વજનમાં મેડલની પ્રાપ્તિ:
મહિલાઓની 53 કિલોગ્રામ વજન કેટેગરીમાં જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચ વિભાગમાં 88 કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્ક અને સ્નેચ એમ બંનેનો સરવાળો કરતા જ્ઞાનેશ્વરીએ કુલ 194 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ સ્પર્ધામાં ચીનની ખેલાડી જીનલાન ઝાઓએ કુલ 216 કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વિયેતનામની હોઆઈ હુઓંગ ન્ગુયેને કુલ 195 કિલો વજન સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
વિગતવાર પરિણામો પર એક નજર:
આ સ્પર્ધામાં ત્રણેય વિજેતા ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત રસાકસીભર્યું રહ્યું હતું. ચીનની જીનલાન ઝાઓએ સ્નેચમાં 95 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો વજન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. વિયેતનામની હોઆઈ હુઓંગ ન્ગુયેને સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો વજન ઊંચક્યું હતું. ભારતની જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં અન્ય સ્પર્ધકો સામે ઝીંક ઝીલી કુલ 194 કિલોગ્રામ વજન ઉઠાવી ભારતની શાન વધારી છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે મહત્વની ક્વોલિફાઈંગ ઈવેન્ટ:
આ ચેમ્પિયનશિપ 2026 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ તરીકે કામ કરી રહી છે, જે ભારતીય ખેલાડીઓ માટે અત્યંત મહત્વની છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સીઈઓ અશ્વાની કુમાર દ્વારા જારી કરાયેલ વિગત મુજબ, જ્ઞાનેશ્વરી યાદવની આ સિદ્ધિ ભારતીય મહિલા ખેલાડીઓના વધતા આંતરરાષ્ટ્રીય સ્તરને દર્શાવે છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ દ્વારા જ્ઞાનેશ્વરી યાદવને તેમની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને બાકીની સ્પર્ધાઓ માટે સમગ્ર ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી છે. આગામી દિવસોમાં એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટર્સ વચ્ચે હજુ પણ વધુ તીવ્ર સ્પર્ધા જોવા મળશે તેવી અપેક્ષા છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
