<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગુજરાતમાં બ્રેઈન સ્ટ્રોકનો વધતો ખતરો: અઢી વર્ષમાં ૩૪ હજારથી વધુ કેસ: દર ચાર પૈકી એક દર્દી અમદાવાદનો..

વર્લ્ડ બ્રેન ડે: ૧૦૮ સેવાનો અહેવાલ ચિંતા પ્રેરક

અમદાવાદ: વર્લ્ડ બ્રેઈન ડે નિમિત્તે જાહેર થયેલા ૧૦૮ ઇમરજન્સી સેવાના આંકડાઓ ગુજરાત માટે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન રાજ્યમાં બ્રેઈન સ્ટ્રોકના કુલ ૩૪,૯૩૨ ઇમરજન્સી કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદ ૮,૯૩૦ કેસ સાથે પ્રથમ સ્થાને છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં સ્ટ્રોક સંબંધિત ૧૪,૧૮૪ ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪માં આ સંખ્યા ૧૨,૭૮૪ હતી. એટલે કે એક વર્ષમાં આશરે ૧૦.૯૫ ટકા વધારો નોંધાયો છે. ચાલુ વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં જ ૭,૯૬૪ કેસ નોંધાતા વર્ષના અંત સુધીમાં આંકડો વધુ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લાવાર આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૫માં અમદાવાદમાં ૩,૬૭૯, સુરતમાં ૧,૪૫૬, વડોદરામાં ૯૧૬, રાજકોટમાં ૮૩૨ અને ભાવનગરમાં ૭૫૩ સ્ટ્રોક સંબંધિત ઇમરજન્સી કોલ નોંધાયા હતા. એટલે કે રાજ્યના દર ચાર સ્ટ્રોક કેસમાંથી એક કેસ અમદાવાદનો નોંધાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધતું કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ધૂમપાન, માનસિક તણાવ અને શારીરિક કસરતનો અભાવ સ્ટ્રોકના મુખ્ય જોખમી પરિબળો બની રહ્યા છે. સમયસર ઓળખ, તાત્કાલિક સારવાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી બ્રેઈન સ્ટ્રોકથી થતી ગંભીર અસરોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

(10:20 AM IST)