News of Saturday, 4th July 2026
વડોદરા-દાહોદ રૂટ પર મુસાફરોની મુશ્કેલીમાં વધારો: મેમુ ટ્રેન 26 દિવસ માટે રદ થતાં હજારો દૈનિક મુસાફરો રઝળી પડ્યા
પુરી રથયાત્રાનું ગ્રહણ: રેલવેની મેમુ ટ્રેન અન્યત્ર ફાળવાતા રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી, ખાનગી પરિવહનનો સહારો લેવાની ફરજ

વડોદરા, : ગુજરાતના વડોદરા અને દાહોદ વચ્ચે દૈનિક મુસાફરી કરતા હજારો મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઓડિશાના પુરી ખાતે આયોજિત જગન્નાથ રથયાત્રાના કારણે વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ ટ્રેન (ટ્રેન નંબર 69233/69234)ને રેલવે તંત્ર દ્વારા આગામી 26 દિવસ માટે સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રથયાત્રા માટે 'મેમુ'ની બલિદાન
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 7 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 સુધી પુરી ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ તટીય રેલવે દ્વારા લાખો શ્રદ્ધાળુઓની ભીડને સંભાળવા માટે વધારાની સ્પેશિયલ ટ્રેનોની માંગણી કરવામાં આવી હતી. આ માંગને પહોંચી વળવા માટે રેલવે બોર્ડે વડોદરા-દાહોદ રૂટ પર દોડતી મેમુ ટ્રેનના રેકને પુરી ખાતે ફાળવી દીધા છે. જેના કારણે 26 દિવસ સુધી આ રૂટ પર ટ્રેન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
નાના સ્ટેશનો માટે 'લાઈફલાઈન' સમાન ટ્રેન
વડોદરા, ગોધરા અને દાહોદ વચ્ચે મુસાફરી કરતા હજારો લોકો માટે આ મેમુ ટ્રેન કોઈ જીવનદોરીથી ઓછી નથી. એક્સપ્રેસ ટ્રેનો માત્ર મુખ્ય સ્ટેશનો પર જ ઉભી રહેતી હોવાથી, લીમખેડા, પીપલોદ, સંતરોડ, ડેરોલ, ચંપાનેર રોડ અને સમલાયા જેવા નાના સ્ટેશનોના મુસાફરો સંપૂર્ણપણે આ મેમુ ટ્રેન પર નિર્ભર હતા. વિદ્યાર્થીઓથી લઈને નાના વેપારીઓ અને દર્દીઓ માટે આ સૌથી સસ્તું અને ઝડપી પરિવહનનું માધ્યમ હતું.
આર્થિક બોજ અને સમયનો બગાડ
રેલવે તંત્રએ ભલે વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાની સલાહ આપી હોય, પરંતુ સામાન્ય મુસાફરો માટે આ ખૂબ જ મોંઘું પડી રહ્યું છે. ટ્રેન બંધ થવાથી હવે મુસાફરોએ ફરજિયાતપણે ખાનગી બસો કે અન્ય વાહનોનો સહારો લેવો પડશે, જે દૈનિક બજેટમાં મોટો વધારો કરશે અને મુસાફરીનો સમય પણ બમણો કરી દેશે. પોતાના ઘરના બજેટ અને રોજિંદા સમયપત્રક પર પડેલી આ અસરને લઈને મુસાફરોમાં રેલવે તંત્ર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
