તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ અને ખાદી મહોત્સવનો શુભારંભ :ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારી ગ્રામોત્થાન અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
આત્મનિર્ભરતા માત્ર આર્થિક વિચાર નહીં, રાષ્ટ્રના સ્વાભિમાન અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલો વિચાર: રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ:ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને જનઆંદોલન બનાવીએ: રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધી જયંતીની ઉજવણી

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ અને ઉપસભાપતિના હસ્તે પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા આયોજિત ખાદી મહોત્સવનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીનો સંકલ્પ હતો કે ભારતનો વિકાસ ગામડાંમાંથી થઈને પસાર થાય. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે અલગ-અલગ સંકલ્પ સાથે ગામડાંમાં જાય છે. ગત વર્ષે પ્રાકૃતિક કૃષિ મિશનને સંકલ્પ બનાવ્યા બાદ આ વર્ષે પોષણને કેન્દ્રમાં રાખીને આવનારી પેઢી શારીરિક રીતે સ્વસ્થ બને તે માટે લોકોમાં માહિતી અને જાગૃતિ પહોંચાડવાનું કાર્ય હાથ ધરાયું છે.
તેમણે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને સ્મરણાંજલિ અર્પણ કરતાં તેમના ‘જય જવાન, જય કિસાન’ના સંદેશને યાદ કર્યો હતો. સરહદ પર દેશની રક્ષા કરતો જવાન અને દેશનું પેટ ભરતો ખેડૂત મજબૂત હશે તો જ ભારત મજબૂત બનશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન અને વિચારોને માત્ર સાંભળવા નહીં પરંતુ હૃદયથી સ્વીકારી જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું કે ગૂજરાત વિદ્યાપીઠનો ઉદ્દેશ યુવાનોને શિક્ષણ, ટેક્નોલોજી અને આર્થિક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંતોષ, તપ અને સ્વાધ્યાય જેવા મૂલ્યો વિશ્વમાં કાયમી શાંતિનો આધાર બની શકે છે. માત્ર શિક્ષિત હોવું પૂરતું નથી, જીવનમાં સદ્મૂલ્યો હોવા પણ જરૂરી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે માનવીય મૂલ્યો જોડાશે ત્યારે જ તેનો ઉપયોગ કલ્યાણકારી બની શકશે.
તેમણે વિદ્યાર્થીઓને ગામડાંમાં જઈ ગ્રામજનો સાથે સંવાદ કરવા, તેમના જીવનને વધુ સુખમય બનાવવા અને સમાજ માટે સહયોગી બનવાના માર્ગો સમજવા આહ્વાન કર્યું હતું. ગાંધીજીના ખાદી, ગ્રામોત્થાન, ભારતીય જીવનમૂલ્યો અને ટેક્નિકલ શિક્ષણને જોડીને આવનારી પેઢીને આત્મનિર્ભર બનાવવાના વિચારોને આગળ ધપાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. ‘મારું જીવન એ જ મારો સંદેશ’ના ગાંધીજીના વિચારને જીવનમાં ઉતારી સૌના કલ્યાણ માટે કાર્ય કરવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહે મહાત્મા ગાંધીજી અને સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ ગાંધીજીના સ્વપ્નો, ગ્રામસ્વરાજ, સ્વદેશી અને રાષ્ટ્રનિર્માણના વિચારોની જીવંત વૈચારિક પીઠ છે. સંસ્થાનો હેતુ માત્ર રોજગારલક્ષી શિક્ષણ આપવાનો નહીં પરંતુ ચારિત્ર્યવાન, સેવાભાવી અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત નાગરિકો તૈયાર કરવાનો હતો.
તેમણે જણાવ્યું કે ગાંધીજી માટે જ્ઞાન સાથે ચારિત્ર્ય, સત્ય, પવિત્રતા, આત્મશિસ્ત અને સેવા પણ એટલાં જ મહત્વપૂર્ણ હતાં. આજના સોશિયલ મીડિયા યુગમાં ગાંધીજીના પત્રકારત્વના વિચારો પણ પ્રસ્તુત છે. શબ્દોની પસંદગીમાં સંયમ અને સત્ય પ્રત્યેની નિષ્ઠા જરૂરી છે. માતૃભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના ગાંધીજીના આગ્રહનો ઉલ્લેખ કરતાં તેમણે શિક્ષણને ભારતીય ભાષા, સંસ્કૃતિ, કૌશલ્ય અને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
ખાદીને સ્વદેશી અને સ્વાવલંબનનું પ્રતીક ગણાવતાં તેમણે કહ્યું કે ચરખો માત્ર સૂતર કાંતવાનું સાધન નહોતો, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને ગરીબોના સશક્તિકરણનો વિચાર હતો. આજે ‘વોકલ ફોર લોકલ’, ‘લોકલ ટુ ગ્લોબલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા પ્રયાસોમાં સ્વદેશીની ભાવના નવી રીતે પ્રગટ થઈ રહી છે. તેમણે યુવાનોને કૌશલ્ય સાથે જવાબદારીની ભાવના કેળવવા તથા સ્થાનિક ઉત્પાદન, સ્ટાર્ટઅપ, સ્વસહાય જૂથો અને ગ્રામ્ય વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આત્મનિર્ભરતા માત્ર આર્થિક વિચાર નહીં, પરંતુ રાષ્ટ્રના સ્વાભિમાન અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલો વિચાર છે.
ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારો આજે પણ પ્રાસંગિક છે. ગાંધીજીના વિચારોને જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડીને આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવો જરૂરી છે.
તેમણે જણાવ્યું કે ગાંધીજી માટે ખાદી માત્ર વસ્ત્ર નહોતું, પરંતુ સ્વદેશી, સ્વાવલંબન, શ્રમનું ગૌરવ અને ગ્રામ્ય અર્થતંત્રની મજબૂતીનું પ્રતીક હતું. ખાદી ખરીદવી એટલે સ્થાનિક કારીગરો, વણકરો અને શ્રમિકોના પરિશ્રમનું સન્માન કરી તેમના રોજગારને પ્રોત્સાહન આપવું. તેમણે સૌને ખાદી અપનાવવા, સ્થાનિક ઉત્પાદનો તથા હસ્તકલા-કારીગરોને પ્રોત્સાહન આપવા અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પને સાકાર કરવા અપીલ કરી હતી.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વાવલંબન અને નાગરિક કર્તવ્યના સિદ્ધાંતો આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે. ગાંધીજીના વિચારોને શિક્ષણ સાથે સાંકળી વિદ્યાર્થીઓમાં સંકલ્પશક્તિ, જવાબદારી અને રાષ્ટ્રભાવના વિકસાવવી એ ગૂજરાત વિદ્યાપીઠની મહત્વપૂર્ણ જવાબદારી છે. ગાંધીજીના મૂલ્યો અને રાષ્ટ્રીય શિક્ષણની ભાવનાના આધારે વિદ્યાર્થીઓનું ઘડતર થાય તો તેઓ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ગાંધી જયંતી નિમિત્તે વિદ્યાપીઠ ખાતે ખાદી મહોત્સવ ઉપરાંત ચિત્ર પ્રદર્શન, યુવા ભારતી યુવક મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’ આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને તેના દર્શન માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. વિવિધ ડાયોરામાના સંવર્ધન અને નવીનીકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ અસ્મિતા મંદિરને પુનઃ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અહીં ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય પણ ગોઠવવામાં આવ્યું છે, જેના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને તેની વિવિધ પરંપરાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં તા. ૨ થી ૭ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા ખાદી મહોત્સવનો ઉદ્દેશ ગાંધીજીના ખાદી, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો છે. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ગ્રામજીવન યાત્રાના પ્રતિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રો. ડાયાભાઈ પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓ સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આયશાબહેન પટેલ, ડૉ. કનૈયાલાલ નાયક, સુરેશભાઈ રામાનુજ, કુલસચિવ ડૉ. હિમાંશુભાઈ પટેલ સહિત પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
