<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ગામડાંના ખેડૂત અને પશુધનની સ્થિતિ સુધારવી એ જ ખરા અર્થમાં 'રાષ્ટ્રધર્મ' : માત્ર ડિગ્રી મેળવીને નોકરી મેળવવી અને નિવૃત્ત થવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ પરંતુ સાચું જીવન બીજાના કલ્યાણ માટે જીવવામાં : યુવા પશુચિકિત્સકો ડિગ્રી લઈને એસી ઓફિસોમાં બેસી રહેવાને બદલે ગામડાંના ખેતરો સુધી પહોંચે તે સમયની માંગ :કામધેનુ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામા સંપન્ન

પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીનો પ્રેરક સંદેશ: પદવી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન : પદવી પ્રાપ્ત કર્યા બાદ માત્ર ટેકનિશિયન કે ક્લિનિશિયન બનવાને બદલે જૈવવિવિધતા અને ખેડૂતોની આજીવિકાના રક્ષક બનો: પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિ : દીક્ષાંત સમારોહમાં ૬૭૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત : સ્નાતક કક્ષાના ૪૬૮, અનુસ્નાતક કક્ષાના ૧૭૫ તથા પી.એચ.ડી.ના ૩૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત : કામધેનુ યુનિવર્સિટીના હેસ્ટર બાયોસાયન્સિસ, આણંદ એનિમલ હેલ્પલાઈન, ભારત વેદિકા તથા બનાસડેરી સાથે MoU

અમદાવાદ તા.૬ : રાજ્યપાલ અને કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રીના હસ્તે ૯૨ ચંદ્રક સહિત ૬૭૬ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

 

કામધેનુ યુનિવર્સિટીના ૧૨મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં દીક્ષિત થતા યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, માત્ર ડિગ્રી મેળવીને નોકરી મેળવવી અને નિવૃત્ત થઈ જવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. સાચું જીવન તો બીજાના કલ્યાણ માટે જીવવામાં છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કામધેનુ, રક્ષાશક્તિ, ચિલ્ડ્રન, ટીચર્સ, ફોરેન્સિક સાયન્સ, સંસ્કૃત અને પ્રાકૃતિક ખેતી જેવા વિવિધ વિષયો પર વિશેષ યુનિવર્સિટીઓની સ્થાપના એક વિરાટ લક્ષ્ય સાથે કરી છે, જેને સાર્થક કરવાની જવાબદારી હવે આ યુવા પેઢીની છે.

 

રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આજે ગામડાંઓમાં વૈજ્ઞાનિક અભિગમના અભાવે પશુધનની ગુણવત્તા ઘટી રહી છે. તેમણે પશુપાલન વિભાગના અધિકારીઓ અને યુવા પશુચિકિત્સકોને આહવાન કર્યું હતું કે તેઓ માત્ર કાગળ પરની ઔપચારિકતાઓ છોડીને સીધા ખેડૂતોના દ્વાર સુધી પહોંચે. જો પશુઓની ઓલાદ-બ્રીડ સુધારવામાં આવે તો પશુપાલકની આવક બમણી થઈ શકે છે. રાજ્યપાલશ્રીએ ભારતીય નસ્લની ગાયો જેવી કે ગીર અને કાંકરેજ પર સંશોધન કરવા અને તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો.

 

પોતાના જીવનના જાતઅનુભવો રજૂ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, તેઓ કુરુક્ષેત્રમાં ૪૫૦ જેટલી ગાયોનું પાલન કરે છે. તેમણે માત્ર ૧૦ લિટર દૂધ આપતી ગાયોથી શરૂઆત કરી હતી અને આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરીને ૬૨ લિટર સુધી દૂધ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે જો બ્રાઝિલ જેવા દેશો ભારતની ગીર ગાય લઈ જઈને ૪૦-૪૦ લિટર દૂધ મેળવી શકતા હોય, તો ભારતમાં આ શક્ય કેમ નથી? આ માટે માત્ર દ્રઢ ઈચ્છાશક્તિ અને સમર્પણની જરૂર છે. તેમણે પશુપાલનને પ્રાકૃતિક ખેતીનો આધાર ગણાવ્યો હતો.

 

રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો વિશે ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોએ ધરતીને પથ્થર જેવી બનાવી દીધી છે. ખેતરોમાં વપરાતું નાઈટ્રોજન પર્યાવરણ માટે અત્યંત જોખમી 'નાઈટ્રસ ઓક્સાઈડ' ગેસ બનાવે છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. આજે માતાના દૂધમાં પણ જંતુનાશકોના અંશ જોવા મળી રહ્યા છે, જે ભયાનક બીમારીઓનું મૂળ છે. આ ઝેરથી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયનું સંવર્ધન જ છે.

 

અંતમાં, રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકોને સંકલ્પ લેવા જણાવ્યું કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં પશુધનની ઉન્નત નસ્લ તૈયાર કરવામાં ખેડૂતોને મદદરૂપ થાય. તેમણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા દરના 'સેક્સ સોર્ટેડ સીમન'નો લાભ ગામેગામ પહોંચાડવા પર પણ ભાર મૂક્યો હતો.

 

પશુપાલન મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંદેશ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, આ દીક્ષાંત સમારંભ માત્ર ડિગ્રી મેળવવાનો પ્રસંગ નથી, પરંતુ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને સંકલ્પની સફળતાનું પ્રતીક છે.

 

કામધેનુ યુનિવર્સિટી દ્વારા પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ આજે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પાયાનું યોગદાન આપી રહ્યું છે અને આ સ્નાતકો ભવિષ્યમાં પોતાની કુશળતાથી સમાજની સેવા કરી દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

 

આ અવસરે મંત્રીશ્રીએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા હેસ્ટર બાયો સાયન્સ, આણંદ એનિમલ હેલ્પલાઇન અને ભારત વેદિકા જેવી સંસ્થાઓ સાથે કરવામાં આવેલા એમઓયુ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જોડાણ પશુપાલન ક્ષેત્રે નવીન સંશોધનો માટે માર્ગ મોકળો કરશે.

 

દેશના ખ્યાતનામ પશુચિકિત્સક અને પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પશુધનના વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવાની હિમાયત કરતા જણાવ્યું હતું કે, પશુધનને માત્ર ઉત્પાદન આપતા મશીન તરીકે જોવાને બદલે એક 'ઇકોસિસ્ટમ મોડેલ' તરીકે સ્વીકારવાની જરૂર છે. ખાસ કરીને એન્ટિ-માઈક્રોબાયલ રેઝિસ્ટન્સ જેવા પડકારો સામે લડવા માટે પશુ ચિકિત્સામાં સિન્થેટિક કેમિકલ્સનો ઉપયોગ ઘટાડી ઇથનો-વેટરનરી મેડિસિન એટલે કે, પરંપરાગત ઔષધિઓ પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય છે.

 

પદ્મશ્રી ડૉ. પુન્નીયામૂર્તિએ 'વન હેલ્થ'ના ખ્યાલ પર ભાર મૂકતા કહ્યું હતું કે, સ્વસ્થ જમીન, પૌષ્ટિક ઘાસચારો અને તંદુરસ્ત પશુઓ જ એક સંતુલિત અને તંદુરસ્ત માનવ સમાજનું નિર્માણ કરી શકે છે. તેમણે સ્નાતકોને માત્ર ટેકનિશિયન કે ક્લિનિશિયન બનવાને બદલે જૈવવિવિધતા અને ખેડૂતોની આજીવિકાના રક્ષક બનવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્નાતકોને ભારતને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા અને આગામી પેઢીને ફળદ્રુપ અને સુરક્ષિત પૃથ્વી સોંપવાની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી.

 

પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૪૬૮ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૭૫ વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.ના ૩૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તે પૈકી ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ સુવર્ણ ચંદ્રક, ૩ વિદ્યાર્થીઓને કુલપતિ સુવર્ણ ચંદ્રક, વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાએ ૭૫, અનુસ્નાતક કક્ષાએ ૧૦ તથા પી.એચ.ડી. કક્ષાએ ૦૧ વિદ્યાર્થીને દાતાશ્રીઓ તરફથી ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત રાજ્યપાલશ્રીના હસ્તે ૦૫ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ૦૨ વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણપત્ર, યુનિવર્સિટીના બેસ્ટ ટીચર, આઉટસ્ટેન્ડિંગ રિસર્ચર તથા બેસ્ટ એક્સટેન્શન એજ્યુકેશનિસ્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

 

આ તકે રાજ્યપાલશ્રીના હસ્તે કામધેનુ યુનિવર્સિટીના એન્યુઅલ રિપોર્ટ અને ડોક્યુમેન્ટરી, કોલજ ઓફ ડેરી સાયન્સ-અમરેલીની ડોક્યુમેન્ટરી તથા બૂક ઓન ગોટ ફાર્મિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા હેસ્ટર બાયોસાયન્સિસ લી., આણંદ એનિમલ હેલ્પલાઈન, ભારત વેદિકા તથા બનાસડેરી સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમના પ્રારંભે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પી. એચ. ટાંકે શાબ્દિક સ્વાગત કરીને કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સિદ્ધિઓની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

 

આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર  આર. જે. પાડોદરા, ડિરેક્ટર ઓફ રિસર્ચ  પ્રકાશ કરિંગા, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કુલસચિવશ્રીઓ, કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. 

(3:30 PM IST)