News of Sunday, 12th July 2026
પુખ્ત વ્યક્તિના અધિકાર પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: માતાની લાગણી કે પિતાનો અહંકાર કાયદાથી ઉપર નથી
જબલપુર હાઈકોર્ટે હેબિયસ કોર્પસ અરજી ફગાવી: પુખ્ત દીકરીને પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવાની છૂટ

જબલપુર : મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વ્યક્તિને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અને રહેવાનો સંપૂર્ણ બંધારણીય અધિકાર છે. આ કેસ રાંચીના ગોકલપુરનો છે, જ્યાં એક માતાએ પોતાની પુખ્ત દીકરીના અપહરણની ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી યુવતી સાથે ખાનગીમાં વાત કરી હતી, જેમાં તેણીએ સ્પષ્ટ કર્યું કે તે પુખ્ત છે અને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ઋત્વિક ચૌધરી સાથે રહે છે.
ન્યાયાધીશ વિવેક રુશિયા અને પ્રદીપ મિત્તલની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે અટકાયતમાં ન હોય ત્યાં સુધી અદાલત વાલી તરીકે કાર્ય કરી શકતી નથી. કોર્ટે આદેશમાં કડક શબ્દોમાં નોંધ્યું હતું કે, અદાલતોએ માતાની ભાવનાઓ કે પિતાના અહંકારથી પ્રેરિત થઈને ‘સુપર ગાર્ડિયન’ બનવાની જરૂર નથી. હેબિયસ કોર્પસ અરજીનો ઉપયોગ માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે કોઈને બળજબરીથી કે ગેરકાયદેસર રીતે કેદ રાખવામાં આવ્યા હોય.
આ કેસમાં કોર્ટે યુવતીના નિવેદનને ધ્યાનમાં રાખીને માતા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે કાયદો વ્યક્તિગત પસંદગીઓને માન આપે છે અને જ્યારે પુખ્ત વ્યક્તિ પોતાની મરજીથી કોઈની સાથે રહેતી હોય ત્યારે રાજ્ય કે કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકતી નથી.
આ ચુકાદો દેશભરમાં પુખ્ત વયના લોકોના વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારોને વધુ મજબૂત બનાવે છે. ભવિષ્યમાં આવા કેસોમાં માતા-પિતા કે પરિજનો દ્વારા કરવામાં આવતી દબાણયુક્ત કાર્યવાહી સામે આ એક કાયદાકીય સીમાચિહ્નરૂપ સાબિત થશે, જે અદાલતોને બિનજરૂરી પારિવારિક વિવાદોમાં 'સુપર ગાર્ડિયન' બનતા અટકાવશે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
