<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : આરોપીને સાક્ષીની ઊલટતપાસની પૂરતી તક આપવી જરૂરી

અધવચ્ચે ઊલટતપાસ બંધ કરવાનો ટ્રાયલ કોર્ટનો નિર્ણય અયોગ્ય : પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની ફરી ૪૫ મિનિટ પૂછપરછને મંજૂરી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે ફોજદારી કેસમાં આરોપીના બચાવના અધિકારને લગતો મહત્વનો નિર્ણય આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ સાક્ષીની ઊલટતપાસ ચાલી રહી હોય ત્યારે આરોપીને યોગ્ય તક આપ્યા વિના ટ્રાયલ કોર્ટ મનસ્વી રીતે પૂછપરછ બંધ કરી શકે નહીં.

ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી ત્યાગી સમક્ષ આવેલા કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની ઊલટતપાસ દરમિયાન ટ્રાયલ કોર્ટે પૂરતો સમય અપાઈ ગયો હોવાનું જણાવી વધુ પૂછપરછ અટકાવી હતી. આરોપી પક્ષે રજૂઆત કરી હતી કે તેમના વકીલ સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યા હતા અને તેમણે મુદત પણ માગી નહોતી.

હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને પુરાવા રજૂ કરવાની યોગ્ય તક મળવી જોઈએ. કોર્ટે આરોપીને ડોક્ટરની વધુ ૪૫ મિનિટ ઊલટતપાસ કરવાની મંજૂરી આપી છે. જોકે તે માટે આરોપીએ અગાઉથી રૂ. ૨,૦૦૦ ખર્ચ જમા કરાવવો પડશે. ડોક્ટર હાજર રહે ત્યારે વધુ મુદત આપવામાં નહીં આવે તેવી શરત પણ મૂકી છે. 

(11:34 AM IST)