તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજકોટ જીલ્લા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠક
જીલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોની નિમણુંકનું કાઉન્ટડાઉન શરૂ : જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા સહિત ટોચના આગેવાનો બેઠકમાં હાજર : રાજકોટ જીલ્લા પંચાયત તથા ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ -કારોબારીના નામ પર લેવાશે નિર્ણય

ગાંધીનગર તા. ૧પ : ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને રાજકોટ જીલ્લા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની અતિ મહત્વની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાજકોટ જીલ્લાના સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોની નિમણૂક અંગે આખરી નિર્ણય લેવાશે.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત જીલ્લાના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા એક-એક નામ પર ચર્ચા-વિચારણા કરીને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
૧. રાજકોટ જીલ્લા પંચાયતઃ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સમગ્ર કારોબારીની નિમણૂક થશે.
૨. ૧૧ તાલુકા પંચાયતઃ રાજકોટ જીલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવશે.
૩. ગોંડલ નગરપાલિકાઃ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ નિમણૂક નક્કી થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદથી જ આ હોદ્દાઓ માટે ભારે રસાકસી ચાલી રહી હતી. અનેક દાવેદારો ગાંધીનગરના આંટાફેરા કરી રહ્યા હતા. આજની બેઠક બાદ તમામ અટકળોનો અંત આવશે અને ટૂંક સમયમાં સત્તાવાર નામોની યાદી જાહેર થવાની સંભાવના છે. ભાજપ દ્વારા સામાજિક સમીકરણો, સિનિયોરિટી અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને નામો નક્કી કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
