<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ખેતીમાં વરસાદ ખેંચાય તે સમયે ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરાઈ

જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય ત્યારે વધારાના અને નબળા છોડ ઉપાડીને પારવણી કરવી,

જામનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ઉભા પાકને રક્ષણ આપવા અને જમીનમાં ભેજ જાળવી રાખવા માટે ખેડૂતો માટે ખાસ ખેત-સલાહ અને કાળજી લેવાના પગલાં લેવા અંગે માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.
   જ્યારે ઉભા પાકમાં વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય, ત્યારે ખેડૂતોને અગત્યના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે મુજબ જમીન અને પાકની અવસ્થા મુજબ સમયસર આંતર-ખેડ કરવી. નીંદણ દૂર કરવાથી જમીનનો ભેજ અને પોષક તત્વો મુખ્ય પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બે ચાસ વચ્ચે સૂકું ઘાસ, પાંદડા કે પ્લાસ્ટિકનું મલ્ચિંગ કરવું. આનાથી જમીનમાંથી પાણીનું બાષ્પીભવન અટકે છે અને ભેજ લાંબો સમય ટકી રહે છે. મર્યાદિત પાણી હોય ત્યારે ધોરિયા પદ્ધતિને બદલે ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવી, જેથી પાણીનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય.
પાકની કટોકટીની અવસ્થા (જેમ કે ફૂલ આવવાની કે દાણા ભરાવાની અવસ્થા) દરમિયાન ખાસ પિયત આપવું. પાણી ખૂબ જ ઓછું હોય તો એકાંતર ચાસે (એક ચાસ મૂકીને એક ચાસમાં) પિયત આપવું. ભેજની અછત સામે છોડને ટકાવી રાખવા માટે ૧% થી ૨% યુરિયા અથવા પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45) ના દ્રાવણનો પાક પર છંટકાવ કરવો. આનાથી છોડની રોગપ્રતિકારક શક્તિ અને તણાવ સહન કરવાની ક્ષમતા વધે છે. જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય ત્યારે વધારાના અને નબળા છોડ ઉપાડીને પારવણી કરવી, જેથી બાકીના છોડને પૂરતો ભેજ મળી રહે. પાક પરિપક્વતાની અવસ્થાએ પહોંચે ત્યારે સમયસર કાપણી કરી લેવી.
આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રીનંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે

(6:21 PM IST)