News of Wednesday, 6th May 2026
અમદાવાદમાં ભયાનક પ્લેન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી :CJIની બેંચ કરશે તપાસની સમીક્ષા
એજન્સીએ આ અકસ્માત પાછળના કારણો અને અત્યાર સુધીની તપાસની વિગતો ધરાવતો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

અમદાવાદમાં બનેલી અત્યંત કરુણ અને ભયાનક પ્લેન દુર્ઘટનાના કેસમાં આજે ભારતની સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી ખાસ બેંચ આ ગંભીર મામલાની તપાસની પ્રગતિની સમીક્ષા કરશે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, ત્યારે કોર્ટની આ સુનાવણી પર પીડિત પરિવારો સહિત આખા દેશની મીટ મંડાયેલી છે. ન્યાયની આશા સાથે સૌ કોઈ આજના દિવસની રાહ જોઈ રહ્યા છે.
આ ગંભીર હવાઈ દુર્ઘટનાની ટેકનિકલ અને કાયદાકીય તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉની સુનાવણી દરમિયાન તપાસ એજન્સીએ સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા માટે કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી. આજે એજન્સીએ આ અકસ્માત પાછળના કારણો અને અત્યાર સુધીની તપાસની વિગતો ધરાવતો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ રિપોર્ટમાં અકસ્માતનું રહસ્ય છુપાયેલું હોવાની શક્યતા છે.
નોંધનીય છે કે અમદાવાદના આકાશમાં સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનામાં કુલ 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ એક એવી હોનારત હતી જેમાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હતા. વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી કોઈ બચી શક્યું નહોતું. આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થવાને કારણે સુપ્રીમ કોર્ટ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે સતત દેખરેખ રાખી રહી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, AAIB દ્વારા તપાસની વિગતો સાર્વજનિક કરવાને બદલે સીલબંધ કવરમાં જ રજૂ કરવાની રહેશે. આ પ્રક્રિયા સુરક્ષા અને તપાસની ગોપનીયતા જાળવી રાખવા માટે કરવામાં આવી છે. આ રિપોર્ટમાં પ્લેનની ટેકનિકલ ખામી, પાયલોટની ભૂલ અથવા તો અન્ય કોઈ બાહ્ય કારણો અંગેના તથ્યો હોઈ શકે છે. કોર્ટ આ રિપોર્ટ વાંચ્યા બાદ તપાસમાં આગળ કઈ દિશામાં વધવું અને જવાબદારો સામે શું પગલાં લેવા તે નક્કી કરશે.
દુર્ઘટનાના લાંબા સમય બાદ પણ પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આજે થનારી આ સુનાવણીથી એ સ્પષ્ટ થશે કે તપાસ સાચી દિશામાં જઈ રહી છે કે કેમ. દેશની સર્વોચ્ચ અદાલત જ્યારે આ કેસની પોતે દેખરેખ કરી રહી હોય, ત્યારે લોકોમાં એવી આશા જાગી છે કે આ ભયાનક અકસ્માત માટે જવાબદાર પરિબળો સામે આવશે અને ભવિષ્યમાં આવી હોનારત ન સર્જાય તે માટે નક્કર પગલાં લેવામાં આવશે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
