તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ગુજરાત કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો : પશુ વીમામાં રાહત : રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૩% વધારવાની જાહેરાત : મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળ દ્વારા રાજ્યના નાગરિકોને આગામી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિયાળબેટ ટાપુ પર ફિશ લેન્ડિંગ સેન્ટરને મંજૂરી : જનજાતિય ગૌરવ સપ્તાહ અને વર્લ્ડ રેકોર્ડ અંગે કેબિનેટમાં કરાઈ સમીક્ષા : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી વિગતો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જનહિત અને વિકાસલક્ષી અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યના પશુપાલકો, સરકારી કર્મચારીઓ તેમજ માછીમારો માટે સરકાર દ્વારા રાહતરૂપ પગલાં લેવામાં આવ્યા છે.
પશુ વીમા કવચ યોજના અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો:
નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ ગુજરાતના ૧,૦૦,૦૦૦ પશુઓને વીમા કવચ પૂરું પાડવાનો નવો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ પશુપાલક માત્ર રૂ. ૨૨૯ ભરીને રૂ. ૪૦,૦૦૦ સુધીનું એક વર્ષનું વીમા કવચ મેળવી શકશે, જ્યારે બાકીની ૮૫% રકમ એટલે કે રૂ. ૧,૩၀၀ સરકાર સહાય પેટે ચૂકવશે. અત્યાર સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ૮૭,૧૪૭ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના ૯.૬૯ લાખથી વધુ કર્મયોગીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે, જે ૧ જુલાઈ ૨૦૨૬થી અમલી બનશે. આ નિર્ણયથી ૪.૬૨ લાખ કર્મચારીઓ અને ૫ લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે તેમજ ૪ માસના એરિયર્સ પેટે રૂ. ૫૨૩ કરોડની રકમ નવેમ્બર-૨૦૨૬ના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવાશે.
શિયાળબેટ ટાપુ પર મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી:
અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર વસતા ૧,૧૦૦થી વધુ સક્રિય માછીમારોની લાંબા સમયથી ચાલી આવતી માંગને સ્વીકારીને ત્યાં પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ અને પેવર બ્લોક જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેનું સુરક્ષિત ફિશ લેન્ડિંગ સેન્ટર વિકસાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતી નિમિત્તે આગામી ૧૫ નવેમ્બરે રાજ્યભરમાં 'જનજાતિય ગૌરવ દિવસ' અને 'જનજાતિય ગૌરવ સપ્તાહ'ની ભવ્ય ઉજવણીનું આયોજન કરાશે. તમામ જિલ્લાઓ અને ૧૪ આદિવાસી જિલ્લાઓની તમામ વિધાનસભા બેઠકો પર આ ઉજવણી થશે, જ્યારે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે.
રાષ્ટ્રીય એકતા દિવસનો વર્લ્ડ રેકોર્ડ અને પીએમ કિસાન ઉત્સવ દિવસની સફળતા:
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ૧૮,૫૦૦થી વધુ ગામો અને શહેરોમાં યોજાયેલી વ્યાપક ઉજવણીમાં આશરે ૧.૩૨ કરોડથી વધુ નાગરિકોની સહભાગિતા નોંધાઈ છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન'માં આ રેકોર્ડ નોંધાયો છે અને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીને આ અંગેનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’માં રાજ્યભરના ૨૧,૮૭,૧૬૧ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા, જેની ભવ્ય સફળતાને પણ કેબિનેટમાં આવકારવામાં આવી હતી. બેઠકના અંતે મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળ દ્વારા રાજ્યના નાગરિકોને આગામી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
