તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
પર્વતારોહકોના આરોગ્ય અને પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : માઉન્ટ આબુ અને જૂનાગઢ તાલીમ કેન્દ્રોના તાલીમાર્થીઓના દૈનિક ભોજન ભથ્થામાં સીધો રૂ. ૨૦૦નો વધારો
દૈનિક ભોજન પ્રતિદિન પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫૦થી વધારીને રૂ. ૩૫૦ કરાયો : રાજ્યના ૫૧૦ જેટલા યુવા સાહસિકોના ઉત્સાહને બરકરાર રાખવા વાર્ષિક રૂ. ૧૧.૧૦ લાખનો વધારાનો ખર્ચ કરશે સરકાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : પર્વતારોહણ જેવા સાહસિક ક્ષેત્રે તાલીમ લેતા યુવક-યુવતીઓની શારીરિક ક્ષમતા અને પોષણયુક્ત આહારની જરૂરિયાતને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે કાર્યરત પર્વતારોહણ તાલીમ કેન્દ્રોના શિબિરાર્થીઓ તથા પ્રશિક્ષકો માટે અપાતા દૈનિક ભોજન ભથ્થામાં રૂ. ૨૦૦નો મોટો વધારો કરવાનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે, જે આગામી તા. ૧ એપ્રિલ, ૨૦૨૭થી અમલમાં આવશે.
ભોજન ભથ્થું રૂ. ૧૫૦થી વધીને સીધું રૂ. ૩૫૦ થયું:
અગાઉ પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરો માટે દૈનિક ભોજનની મહત્તમ મર્યાદા પ્રતિ વ્યક્તિ પ્રતિદિન રૂ. ૧૫૦ નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને સીધી રૂ. ૩૫૦ કરી દેવામાં આવી છે. આમ, ભોજન ખર્ચમાં પ્રતિ વ્યક્તિ રૂ. ૨૦૦નો વધારો થવાથી હવે તાલીમાર્થીઓને વધુ પૌષ્ટિક અને ગુણવત્તાસભર આહાર મળી રહેશે. કઠિન પહાડો અને ખડકો વચ્ચે પરસેવો પાડતા યુવા સાહસિકો માટે આ નિર્ણય અત્યંત રાહતરૂપ સાબિત થશે.
જૂનાગઢ અને માઉન્ટ આબુના ૫૧૦ તાલીમાર્થીઓને મળશે સીધો લાભ:
રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની વડી કચેરી હેઠળ ચાલતા આ બંને અગ્રણી કેન્દ્રોમાં વર્ષ દરમિયાન ૨૦થી વધુ સરકારી અને બિનસરકારી પર્વતારોહણ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ નિર્ણયથી રાજ્યના બે મુખ્ય કેન્દ્રોમાં તાલીમ લેતા યુવાનોને સીધો લાભ મળશે. જે અંતર્ગત જૂનાગઢ સ્થિત 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર' ખાતે તાલીમ મેળવતા વાર્ષિક અંદાજે ૨૩૦ શિબિરાર્થીઓ પાછળ રૂ. ૩.૪૦ લાખ અને માઉન્ટ આબુ સ્થિત 'રાજ્ય પર્વતારોહણ સંસ્થા'ના વાર્ષિક અંદાજે ૨૮૦ શિબિરાર્થીઓ પાછળ રૂ. ૭.૭૦ લાખનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. આમ, બંને કેન્દ્રોના કુલ ૫૧૦ યુવા સાહસિકોના સ્વાસ્થ્ય અને પોષણ પાછળ સરકાર દ્વારા વાર્ષિક કુલ રૂ. ૧૧.૧૦ લાખનો વધારાનો આર્થિક ભારણ વહન કરવામાં આવશે.
યુવા સાહસિકોના સર્વાંગી વિકાસને મળશે વેગ:
કલાકો સુધી શારીરિક શ્રમ માંગતી પર્વતારોહણની તાલીમ દરમિયાન યોગ્ય આહાર ન મળવાના પ્રશ્નો હવે આ નિર્ણયથી હલ થઈ જશે. ભોજન સુવિધા વધુ સુદ્રઢ બનવાથી તાલીમાર્થીઓનો ઉત્સાહ બેવડાશે અને તેમની શારીરિક ક્ષમતા પણ જળવાઈ રહેશે. રાજ્ય સરકારના આ કલ્યાણકારી પગલાથી ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓ અને પર્વતારોહણ તાલીમને વધુ વ્યાપક તથા અસરકારક બનાવવામાં મોટું પ્રોત્સાહન સાંપડશે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
