તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
સચિવાલયના અધિકારીઓના નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહે છે, વહીવટી તંત્રમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની - મુખ્ય સચિવ મનોજકુમાર દાસ
ગાંધીનગર ખાતે ઉપસચિવો માટે સ્પીપા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય વિશેષ તાલીમનો પ્રારંભ : AI અને આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા અધિકારીઓને અપડેટ રહેવા આહવાન : જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું પ્રેરક ઉદબોધન

ગાંધીનગર: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવો માટે ગાંધીનગર ખાતે આયોજિત “Enhancing Administrative Capacities and Leadership” વિષય પરના ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ મનોજકુમાર દાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સચિવાલય સ્તરે લેવાયેલા નિર્ણયો લાખો નાગરિકોના જીવનને પ્રભાવિત કરે છે, તેથી નિર્ણયો સાચા, સારા અને સચોટ હોવા જોઈએ.
નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને ટેકનોલોજીનો ઉપયોગ:
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે ઉમેર્યું કે આજના ઝડપથી બદલાતા યુગમાં AI અને નવી ટેકનોલોજી દર બે વર્ષે બમણી ગતિએ વધી રહી છે ત્યારે અધિકારીઓએ સતત અપડેટ રહેવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફાઈલ એ માત્ર કાગળનો ટુકડો નથી પણ કોઈના કલ્યાણનો માર્ગ છે. નાગરિકોને બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ ન આપવા પડે તેવી સરળ પ્રક્રિયા પર તેમણે ભાર મૂક્યો હતો. ગુજરાતને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી લઈ જવાની અને વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત' બનાવવામાં દરેક કર્મચારીની ભૂમિકા મહત્વની ગણાવી હતી.
તાલીમના મુખ્ય વિષયો અને આધુનિક અભિગમ:
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે શીખવાની કોઈ વય હોતી નથી. આ તાલીમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને પીએમ ગતિશક્તિ પોર્ટલ જેવા ટેકનિકલ સત્રો રાખવામાં આવ્યા છે. તેમણે પરંપરાગત રીતોને બદલે 'એવિડન્સ બેઝ્ડ ડિસીઝન મેકિંગ' એટલે કે નક્કર ડેટાના આધારે નિર્ણય લેવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત સિટિઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન, સ્વાગત કાર્યક્રમ અને ઇમોશનલ એજીલિટી જેવા વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવશે.
જવાબદારી અને નેતૃત્વના ગુણો:
સ્પીપાના મહાનિદેશક હારીત શુક્લએ અધિકારીઓનું સ્વાગત કરતા કહ્યું કે બઢતી એ માત્ર હોદ્દાનો ફેરફાર નથી પણ નવી જવાબદારી છે. તાલીમ દરમિયાન કેબિનેટ નોટ તૈયાર કરવી, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને IFMS ની સમજ તેમજ ફાઇલના ઝડપી નિકાલ અંગે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાશે.
*'સરકારી' નહીં પણ 'અસરકારી' બનો - કાજલ ઓઝા વૈદ્ય:*
જાણીતા વક્તા અને લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યએ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું કે સરકારી કર્મચારીઓએ સમાજ પર પ્રભાવ પાડનારા "અસરકારી" બનવું જોઈએ. સફળતા માટે 'આઉટ ઓફ ધ બોક્સ' વિચારવું જરૂરી છે. તેમણે ટેકનોલોજીના માધ્યમથી વહીવટમાં આવેલી પારદર્શિતા અને ઈ-ગવર્નન્સ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચેલી સેવાઓની પ્રશંસા કરી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, નાયબ નિયામક એ.એ. ડોડીયા, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રીમતી ધરતી શાહ સહિત વિવિધ વિભાગોના ઉપસચિવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમ ૨૩ થી ૨૫ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ચાલશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
