<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ભરૂચ-અંકલેશ્વરમાં 7 કુંડમાં સાંજ સુધી 5000 પ્રતિમાઓનું વિસર્જન

કૃત્રિમ કુંડ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને ભારે હૈયે પુનઃ પધારવાના ઈંજન સાથે વિદાય આપી

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 11 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 7 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ કુંડ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને ભારે હૈયે પુનઃ પધારવાના ઈંજન સાથે વિદાય આપી હતી.

ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી. અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 7 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 5000થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું. સુપ્રિમની ગાઈડલાઈન અને NGTના આદેશ વચ્ચે શહેરના નિલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન,ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી નદીમાં વિસર્જન નહિનું ચુસ્ત પાલન કરાવાયું હતું. આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું.

ભરૂચ જિલ્લામાં નિર્વિઘ્ને વિસર્જન પાર પાડવા 3000 પોલીસ કાફલો, SRP સહિતનો બંદોબસ્ત દિવસભર તહેનાત રહ્યો હતો. કેમેરાથી વિડીયોગ્રાફી, બોડી વૉર્મ કેમેરા અને ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહી હતી. મોટી પ્રતિમા અને ગણેશ મંડળોની વિસર્જન યાત્રા સાંજ બાદ નીકળતા ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં આતશબાજી વચ્ચે દિવાળી જેવો માહોલ છવાયો હતો.

 

 

(11:37 PM IST)