તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી : જુઓ વિડિયો
સુરતના પલસાણા તાલુકામાં મમતા દિવસ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીના બનાવમાં જવાબદાર મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ હેઠળના સબ સેન્ટર પલસાણા-01 ખાતે તા. 24 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલા મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર મહિલા હેલ્થ વર્કર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
માહિતી અનુસાર મમતા દિવસ દરમિયાન કુલ 7 બાળકોને નિયમિત રસીકરણ આપવામાં આવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને પેરાસિટામોલ કિડ ટેબ્લેટ આપવાની પ્રક્રિયા દરમિયાન ભૂલવશ પેરાસિટામોલના બદલે ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.ની ટેબ્લેટ પાંચ બાળકોને આપવામાં આવી હતી. દવાની આડઅસરના લક્ષણો જણાતા સંબંધિત પાંચ બાળકોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય તંત્ર, આર.સી.એચ.ઓ. તથા આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ અને પીઆઇસીયુની મુલાકાત લઈ સારવારની સમીક્ષા કરવામાં આવી હતી. સારવાર આપતા તબીબો અને યુનિટ હેડ સાથે ચર્ચા કરીને બાળકોની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો તેમજ સંબંધિત આરોગ્ય ટીમો હોસ્પિટલોમાં સતત હાજર રહી બાળકોની સારવારની દેખરેખ રાખી રહી છે તેમજ તેમના પરિવારજનોને જરૂરી સહાય અને સાંત્વના પૂરી પાડી રહી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દર્દી સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે."
આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે અને તમામ બાળકોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
