તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સુરતના વરાછામાં મમતા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના નેટવર્ક પર આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બી. પટેલ અને ટીમનો દરોડો : હોસ્પિટલ સીલ કરી સંચાલક રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ નોંધાવાતી ફરિયાદ : જુઓ વિડિયો
લાભેશ્વર ચોકી પાસે અગાઉ સીલ થયેલી શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ શરૂ કરનાર ડિગ્રી વગરના ફાર્માસિસ્ટ રામગોપાલ શ્રીકિશન ખંડેલવાલના કાળા કારનામાનો પર્દાફાશ : તપાસ દરમિયાન ગર્ભપાત માટે દાખલ ત્રણ મહિલા દર્દીઓ મળી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

સુરત:સુરતના વરાછા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ તેમની ઓફિસમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે વરાછાના એલ.એચ. રોડ પર આવેલી મમતા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
દરોડાની વિગત અને અધિકારીઓની કાર્યવાહી:
તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ બપોરના સમયે ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી (પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બી. પટેલ તથા તેમની પીસી એન્ડ પીએનડીટી ટીમ અને પંચો સાથે લાભેશ્વર પોલીસ ચોકી પાસે આવેલી મમતા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન હોસ્પિટલમાં ત્રણ મહિલા દર્દીઓ દાખલ મળી આવી હતી. આ દર્દીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ અહીં ગર્ભપાત કરાવવા માટે આવ્યા છે.
કાયદેસરના પગલાં અને હોસ્પિટલ સીલ:
આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે આ હોસ્પિટલ કોઈપણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનું કામ કરી રહી હતી. આ ગંભીર બેદરકારી બદલ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીસમેંટ એક્ટ ૨૦૨૧ અને એમ.ટી.પી. એક્ટ ૧૯૭૧ના વિવિધ નિયમોના ભંગ બદલ હોસ્પિટલને પંચોની હાજરીમાં સીલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણમાંથી બે દર્દીઓની હાલત જોતા તેઓને વધુ સારવાર અને મેડિકલ તપાસ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ:
આ હોસ્પિટલના સંચાલક તરીકે રામગોપાલ શ્રીકિશન ખંડેલવાલનું નામ બહાર આવ્યું છે, જે માત્ર ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવે છે અને ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી ધરાવતા નથી. અગાઉ તા. ૦૬/૧૧/૨૦૨૫ના રોજ પણ આ જ સ્થળે 'શિવાય મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ' ચાલતી હતી, જે ગેરકાયદે પ્રવૃત્તિ બદલ સીલ કરવામાં આવી હતી અને રામગોપાલ ખંડેલવાલની ધરપકડ થઈ હતી. કોર્ટના હુકમથી ૨૯/૦૧/૨૦૨૬ના રોજ સીલ ખુલ્યા બાદ, આરોપીએ હોસ્પિટલનું નામ બદલીને 'મમતા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ' રાખી ફરી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
