News of Sunday, 10th May 2026
' સુરતમાં કાપડનો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે': વેપારીને ચાકુ બતાવી 1.20 લાખ પડાવ્યા :સલાબતપુરા પોલીસે કુખ્યાત ટપોરી શિવા ઝાલાને દબોચ્યો
-- વેપારીએ હિંમત દાખવીને સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી: પોલ્સે આ ગુનામાં કુલ ૫ શખ્સો સામે ગુનો દાખલ કર્યો

સુરત : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સલાબતપુરા પોલીસે કુખ્યાત ટપોરી અને ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઉર્ફે શિવા ઝાલાની ધરપકડ કરી છે. આ શખ્સે કાપડના એક વેપારીને ચાકુ બતાવી ધમકાવ્યા હતા. તેણે વેપારી પાસેથી ૧.૨૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ વેપારીને દર મહિને ૫૦ હજારના હપ્તા આપવા માટે દબાણ કર્યું હતું. જો સુરતમાં કાપડનો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેવી ધમકી પણ તેણે આપી હતી.
આરોપી અગાઉ ડ્રગ્સ કેસમાં એસઓજી (SOG) દ્વારા પકડાયો હતો. તે થોડા મહિના પહેલા જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ તેણે ફરીથી ગુનાખોરી શરૂ કરી હતી. શિવા ઝાલા સોશિયલ મીડિયા પર ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો હતો. એસઓજીએ તપાસ સંભાળતા જ તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ પોલીસે તેની શાન ઠેકાણે પાડી છે. તેણે કાન પકડીને પોલીસ સમક્ષ માફી માંગી છે. પોતે લુખ્ખો હોવાનું સ્વીકારીને હવે પછી ક્યારેય રીલ્સ નહીં બનાવવાની ખાતરી આપી છે.
વેપારીએ હિંમત દાખવીને સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કુલ ૫ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવા ઝાલાએ મીડિયા કર્મીઓને પણ ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે હવે આ કેસમાં તપાસ તેજ કરી છે. ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તે માટે આરોપીનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. વેપારીને પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
