<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

આવા મંદિરો વધુ બનશે તો ભારતનો નકશો કંઈક અલગ જ હશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વલસાડના નંદવાળા ખાતે ત્રિમંદિરનું ભૂમિપૂજન : પૂ.દીપકભાઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત

ત્રિમંદિર એ જૈન, શૈવ, વૈષ્ણવ અને અન્ય ધર્મોને એક સમાન મંચ પર લાવીને ધાર્મિક મતભેદો દૂર કરતું અનોખું તીર્થધામ : મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને "મારો ધર્મ જ સાચો છે" તેવા વાડાઓમાંથી મુક્ત કરી આત્મજ્ઞાન અને સાચા મોક્ષના માર્ગે વાળવાનો

અમદાવાદ તા.૩ : વલસાડ - મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લાના નંદવાળા ખાતે દાદા ભગવાન પરિવારના ત્રિમંદિરનું ભૂમિપૂજન પૂજ્યશ્રી દીપકભાઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પૂજ્યશ્રી દીપકભાઈ સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી અને પૂજ્યશ્રી સાથે આત્મીય સંવાદ સાધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે પોતાની ભાવના વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "અહીંયા અમે મહાત્માની રીતે આવીએ છીએ, તો તમારા ચરણોમાં સમર્પિત થઈ જઈએ એવી પ્રાર્થના હર હંમેશ કરતા રહીએ છીએ."

તેમણે ઉમેર્યું કે, દાદા ભગવાન, પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રીની ભાવના છે કે આવા મંદિર ગામોગામ હોજો. પૂજ્ય દાદા ભગવાનનું ભાવસ્મરણ કરતાં તેમણે કહ્યું કે, આપણે બધા આજે એવી ભાવના કરીએ કે આ મંદિરો જેટલા વધુ ને વધુ બનશે, પછી ભારતનો નકશો કંઈક અલગ જ હશે. આવા મંદિર જેટલા વધુ ને વધુ ઝડપથી બને અને લોક કલ્યાણ પ્રવૃત્તિ વધુ પ્રબળ બને તેવી ભાવના રાખીએ. 

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારતનો સંદેશ દોહરાવતા વિકસિત ભારતમાં પણ આવા મંદિરોનું યોગદાન મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ત્રિમંદિર એ જૈન, શૈવ, વૈષ્ણવ અને અન્ય ધર્મોને એક સમાન મંચ પર લાવીને ધાર્મિક મતભેદો દૂર કરતું અનોખું તીર્થધામ છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જણાવ્યા અનુસાર, આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને "મારો ધર્મ જ સાચો છે" તેવા વાડાઓમાંથી મુક્ત કરી આત્મજ્ઞાન અને સાચા મોક્ષના માર્ગે વાળવાનો છે.

દાદા ભગવાન ફાઉન્ડેશન એ પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રસ્થાપિત 'અક્રમ વિજ્ઞાન' નો દેશ-વિદેશમાં પ્રસાર કરતી આધ્યાત્મિક સંસ્થા છે, જે સંસારમાં રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. પૂજ્ય નીરુમા અને વર્તમાન આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિશ્વભરમાં સત્સંગ, જ્ઞાનવિધિનું આયોજન કરે છે.

આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:10 PM IST)