તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ગુજરાતમાં પુરતી વીજ ઉત્પાદન ક્ષમતા હોય તો વારંવાર ખાનગી રાહે ખરીદી કેમ?
વીજળી મુદે સરકારને ડો. મનીષ દોશીના ‘ઝાટકા' વીજળી ખરીદી અંગે શ્વેતપત્ર જાહેર કરવા કોંગ્રેસની માંગણી

અમદાવાદ, તા. ૧૯: ગુજરાતને ‘પાવર સરપ્લસ' રાજ્ય ગણાવી મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારની વીજ નીતિ સામે ગંભીર સવાલો ઊભા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, બીજી તરફ ખાનગી વીજ કંપનીઓ પાસેથી હજારો કરોડ રૂપિયાની વીજળી ખરીદવામાં આવે છે અને અંતે મોંઘી વીજ વ્યવસ્થાનો બોજ જનતાએ સહન કરવો પડે છે. જો ગુજરાતમાં પૂરતી વીજ ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, તો વારંવાર વધારાની વીજળી ખરીદવાની જરૂર કેમ ઊભી થાય છે? શું સરકાર સરકારી વીજ ઉત્પાદન ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે? કે પછી વીજ ખરીદી માટેના આગોતરા આયોજનમાં ખામી છે?
ડો. મનીષ દોશી જણાવે છે કે વિધાનસભામાં રજૂ થયેલી માહિતીના આધારે ઉપલબ્ધ આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૪માં અદાણી પાવર પાસેથી ૧૫,૪૯૨ મિલિયન યુનિટ વીજળી ખરીદવા માટે રૂ. ૮,૦૯૫ કરોડ ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૫ના આંકડા મુજબ ૧૩,૨૨૩ મિલિયન યુનિટ વીજળી માટે રૂ. ૭,૩૦૦ કરોડ ખર્ચાયા હતા. આમ, આ બે વર્ષમાં કુલ ૨૮,૭૧૫ મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ રૂ. ૧૫,૩૯૫ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આટલી મોટી રકમના ખર્ચ અંગે સરકારની જવાબદારી બને છે કે તે વીજ ખરીદીના દરો, કરારની શરતો, ચુકવણીની વિગતો અને ખરીદીની જરૂરિયાત અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરે.
વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં વીજ વપરાશ વર્ષ ૨૦૨૪માં ૧,૨૬,૯૬૮ મિલિયન યુનિટથી વધીને વર્ષ ૨૦૨૫માં ૧,૨૮,૧૨૮ મિલિયન યુનિટ થયો હતો. બીજી તરફ, સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન ૧,૨૧,૭૭૬ મિલિયન યુનિટથી ઘટીને ૧,૧૯,૪૯૬ મિલિયન યુનિટ થયું હતું. એટલે કે, દર્શાવેલા આંકડાઓ મુજબ વીજ વપરાશમાં ૧,૧૬૦ મિલિયન યુનિટનો વધારો થયો, જ્યારે સરકારી વીજ ઉત્પાદનમાં ૨,૨૮૦ મિલિયન યુનિટનો ઘટાડો નોંધાયો. સરકારી ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના આધારે ખાનગી વીજ ખરીદીનો દરેક નિર્ણય ખોટો ઠરતો નથી, પરંતુ આ પરિસ્થિતિમાં ખરીદીની જરૂરિયાત, વીજદર, સરકારી પ્લાન્ટની કામગીરી અને કરારની આર્થિક યોગ્યતાની સ્વતંત્ર સમીક્ષા થવી અનિવાર્ય છે. જો સરકાર જનહિતમાં નિર્ણયો લેતી હોવાનો દાવો કરે છે, તો વીજ ખરીદીના કરારો અને તેના ખર્ચની વિગતો જાહેર કરવામાં સંકોચ શા માટે?
ભાજપ સરકાર સોલાર વીજ ઉત્પાદનમાં ગુજરાતની પ્રગતિના દાવા કરે છે, પરંતુ સવાલ એ છે કે આ ક્ષમતાનો વાસ્તવિક ઉપયોગ કેટલો થાય છે અને તેનાથી રાજ્યની વીજ જરૂરિયાત કેટલી પૂરી થાય છે? સોલાર વીજળીની ઉપલબ્ધતા સમય અને હવામાન પર આધારિત હોવાથી, માત્ર સ્થાપિત ક્ષમતાના આંકડા પૂરતા નથી. સરકારે સોલાર સહિતના વિવિધ વીજસ્ત્રોતોમાંથી વાસ્તવિક ઉત્પાદન, સરકારી વીજ મથકોની કામગીરી અને ખાનગી ખરીદીની જરૂરિયાત અંગે પારદર્શક માહિતી આપવી જોઈએ. વીજ નીતિનો હેતુ માત્ર ઉત્પાદન ક્ષમતાના દાવા કરવાનો નહીં, પરંતુ વિશ્વસનીય વીજ પુરવઠો યોગ્ય ખર્ચે ઉપલબ્ધ કરાવવાનો હોવો જોઈએ.
ભાજપ સરકાર છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના સરકારી અને ખાનગી વીજ ઉત્પાદનના પ્લાન્ટવાર આંકડા જાહેર કરે; વીજ ખરીદીના મુખ્ય કરારોના દરો, ફિક્સ્ડ ચાર્જ, વેરિએબલ ચાર્જ અને કુલ ચુકવણીની વિગતો રજૂ કરે; સરકારી વીજ મથકોના ઉત્પાદનમાં ઘટાડાનાં કારણો સ્પષ્ટ કરે; ખાનગી વીજ ખરીદીના દરોની અન્ય ઉપલબ્ધ વીજસ્ત્રોતો સાથે સરખામણી જાહેર કરે; અને ટૂંકા ગાળાના વીજ કરારોની સંપૂર્ણ વિગતો જનતા સમક્ષ મૂકે. આ ઉપરાંત, સરકારી વીજ ઉત્પાદન ક્ષમતાના ઉપયોગ અને ખાનગી વીજ ખરીદીના ખર્ચ અંગે સ્વતંત્ર તકનીકી તથા નાણાકીય સમીક્ષા કરાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. તેમ ડો.મનીષ દોશી, કન્વીનર અને પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ જણાવે છે
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
