<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ICAI CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર : વડોદરાના 92 વિદ્યાર્થીઓ બન્યા સીએ : વાન ચાલકના પુત્રને ચોથો ક્રમ

વડોદરા કેન્દ્ર પરથી કુલ 626 જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓ CA ફાઇનલની પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી તીવ્ર સ્પર્ધા વચ્ચે 92 વિદ્યાર્થીઓએ તમામ સ્તરો પાર કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું પોતાનું અને પરિવારનું સપનું સાકાર કર્યું

વડોદરા :ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે 2026ના સત્રમાં લેવાયેલી સીએ (CA) ફાઇનલ પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ સંસ્કારી નગરી વડોદરાના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પોતાની મેધા અને અસાધારણ બુદ્ધિપ્રતિભાનું પ્રદર્શન કરીને શહેરનું નામ રોશન કર્યું છે. મુશ્કેલ ગણાતી આ પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓએ આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરીને સફળતાના શિખરો સર કર્યા છે.

ચાલુ વર્ષે વડોદરા કેન્દ્ર પરથી કુલ 626 જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓ CA ફાઇનલની પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી તીવ્ર સ્પર્ધા વચ્ચે 92 વિદ્યાર્થીઓએ તમામ સ્તરો પાર કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું પોતાનું અને પરિવારનું સપનું સાકાર કર્યું છે. વડોદરા બ્રાન્ચનું એકંદર પરિણામ 14.70 ટકા નોંધાયું છે, જે વિદ્યાર્થીઓની સખત મહેનત દર્શાવે છે.

 

પ્રથમ સ્થાન (લક્ષ્મણ ખડકા): શહેરમાં લક્ષ્મણ ધર્મેશ ખડકાએ કુલ 400 ગુણમાંથી 350 ગુણનો જંગી સ્કોર કરીને વડોદરા કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

દ્વિતીય સ્થાન (સંયુક્ત): વડોદરા કેન્દ્ર પર બીજા ક્રમે બે વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે બાજી મારી છે. શાહ જીયા સમીર અને કીર્તન કમલેશભાઈ પ્રજાપતિએ 345-345 ગુણ મેળવીને શહેરમાં બીજું સ્થાન મેળવ્યું છે.

તૃતીય સ્થાન (કર્ણિક ભાવેશભાઈ): કર્ણિક દેવાંગ ભાવેશભાઈએ 330 ગુણ મેળવીને વડોદરા શહેરમાં ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે.

 

આ સમગ્ર પરિણામમાં વડોદરાના ચોથા ક્રમના ટોપર મોહમ્મદઅમાન મોહમ્મદસલીમ રંગરેજની સક્સેસ સ્ટોરી સૌથી વધુ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી સાબિત થઈ છે. મોહમ્મદઅમાનના પિતા શાળાના બાળકોને લાવવા-લઇ જવા માટે વેન ચલાવવાનું કામ કરે છે. ખૂબ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને મર્યાદિત આવક હોવા છતાં, પિતાએ ક્યારેય પુત્રના ભણતરમાં કે તેની સુવિધાઓમાં કોઈ કમી આવવા દીધી નહોતી.

પોતાના પિતાના આ અવિરત પરિશ્રમ અને કાળી મજૂરીને સાર્થક કરવા માટે મોહમ્મદઅમાને દિવસ-રાત એક કરી દીધા હતા. પરિણામ બાદ અત્યંત ભાવુક થઈ ગયેલા આ નવયુવાને જણાવ્યું હતું કે- મારા પિતાએ અમારા પરિવાર માટે આખી જિંદગી ખૂબ સંઘર્ષ કર્યો છે. હવે સમય આવી ગયો છે કે તેઓ ડ્રાઇવિંગના આ કઠિન કામમાંથી કાયમી આરામ લે. હવે હું એક પ્રોફેશનલ તરીકે ઘરની તમામ આર્થિક અને સામાજિક જવાબદારીઓ ઉપાડવા માટે સંપૂર્ણ સક્ષમ છું.

વડોદરાના આ તેજસ્વી તારલાઓએ સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ સંકલ્પ હોય, સતત પરિશ્રમ કરવાની તૈયારી હોય અને પરિવારનો સાથ હોય તો ગમે તેવી આર્થિક તંગી પણ લક્ષ્ય મેળવવામાં અવરોધ બની શકતી નથી. હાલમાં વડોદરાના આ તમામ સફળ વિદ્યાર્થીઓ પર ઇન્સ્ટિટ્યૂટ, મિત્રો અને સમગ્ર વડોદરાવાસીઓ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(1:29 AM IST)