તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Sunday, 27th September 2026
પાપાની જેમ વીડિયો બનાવશે અને સુઈગામનું નામ રોશન કરશે" ચંદન રાઠોડના દીકરાનો ભાવુક વિડિઓ વાયરલ
પિતાના પગલે ચાલીને સોશિયલ મીડિયા ક્ષેત્રે આગળ વધવાની દીકરાની વાત સાંભળીને ચંદન રાઠોડના ચાહકો ભાવુક થઈ રહ્યા છે.

વાવ-થરાદના સુઈગામના લોકપ્રિય સોશિયલ મીડિયા ક્રિએટર ચંદન રાઠોડના નિધન બાદ તેમનો પરિવાર અને ચાહકો હજુ પણ આઘાતમાં છે. આ વચ્ચે તેમના માસૂમ દીકરાનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દીકરો પિતાની જેમ જ વીડિયો બનાવવાની અને પોતાના સુઈગામનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરતો જોવા મળે છે. તેના નિર્દોષ શબ્દોએ અનેક લોકોના હૃદયને સ્પર્શ્યા છે.
વાયરલ વીડિયોમાં ચંદન રાઠોડનો દીકરો પિતાને યાદ કરતાં કહે છે કે તે પણ પોતાના પાપાની જેમ વીડિયો બનાવશે અને સુઈગામનું નામ રોશન કરશે. પિતાના પગલે ચાલીને સોશિયલ મીડિયા ક્ષેત્રે આગળ વધવાની દીકરાની વાત સાંભળીને ચંદન રાઠોડના ચાહકો ભાવુક થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરીને બાળક પ્રત્યે લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બર, 2026ના રોજ અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, તેઓ ભાભર નજીક ગૌશાળા પાસે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
ચંદન રાઠોડના નજીકના મિત્રોના જણાવ્યા મુજબ, અકસ્માત પહેલા તેમણે પોતાની ટીમ સાથે છેલ્લો વીડિયો શૂટ કર્યો હતો. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર નજીક અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તેમના મિત્રો અને સાથીદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચંદન રાઠોડ હવે તેમની વચ્ચે રહ્યા નથી તે વાત તેમના માટે પણ આઘાતજનક બની હતી.
ચંદન રાઠોડનો જન્મ વાવ-થરાદ જિલ્લાના સુઈગામમાં સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારમાં થયો હતો. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમના પિતા દેવામાં હતા અને ચંદન રાઠોડને પણ અભ્યાસમાં પૂરતી તક મળી શકી નહોતી. જોકે, શિક્ષણની મર્યાદા તેમની સફળતાના રસ્તામાં અડચણ બની નહીં. પોતાની સર્જનાત્મકતા, મહેનત અને સમજના આધારે તેમણે સોશિયલ મીડિયાને પોતાની ઓળખ બનાવવાનું માધ્યમ બનાવ્યું.
પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચંદન રાઠોડ નોકરી માટે ગામ છોડીને મોરબી ગયા હતા. જોકે, ત્યારબાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે તેમણે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે TikTok પર વીડિયો બનાવ્યા હતા. તેમના વીડિયોમાં સામાન્ય માણસનું જીવન, લાગણીઓ અને રોજિંદી પરિસ્થિતિઓને રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવતી હતી
TikTok પર પ્રતિબંધ બાદ ચંદન રાઠોડે Instagram પર પોતાની કન્ટેન્ટ ક્રિએશનની સફર આગળ વધારી. અહીં પણ તેમના વીડિયો લોકોને પસંદ આવ્યા અને ધીમે ધીમે તેમની લોકપ્રિયતા વધી. સાદી ભાષા, સામાન્ય જીવન સાથે જોડાયેલી વાતો અને કોમેડી આધારિત કન્ટેન્ટ તેમની ઓળખ બની. સમય જતાં તેઓ ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટર્સમાં સ્થાન મેળવ્યું હતું.
ચંદન રાઠોડની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ હતી. Instagram પર તેમના 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ અને YouTube પર 1 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવાની માહિતી તેમના પરિચિતો દ્વારા આપવામાં આવી છે. સફળતા મળ્યા બાદ પણ તેઓ સાદગીથી રહેતા હોવાની વાત તેમના નજીકના લોકો કહે છે. પોતાની મહેનતથી તેમણે પિતાનું દેવું પણ ઉતાર્યું હોવાનું જણાવાયું છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
