તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
‘‘I love u'' વાળી ચિઠ્ઠીનો વિવાદઃ શિક્ષિકા સસ્પેન્ડઃ વાલીએ સમાધાન કરવા ૨૫ લાખ માંગ્યા?
અમદાવાદની બ્રાઇટ સ્કૂલના ધો-૪ના વિદ્યાર્થીની ઘટના : રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ તા.૨૨: શહેરના સીટીએમ વિસ્તારની બ્રાઇટ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે જ્યાં પ્રાયમરી સેક્શનમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની પર I Love U લખેલી ચિઠ્ઠી ફેંકી હતી. આ ઘટના બનતા વિદ્યાર્થીને ક્લાસના શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા અને શાળાના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ ઘટનામાં વિદ્યાર્થીને માર મારવા બદલ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે સ્કૂલના સંચાલક ઇન્દ્રજીત મૌર્યએ જણાવ્યું કે, ગત ૧૯ તારીખની ઘટના છે જ્યાં પ્રાઇમરી સેક્શનમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની પર આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકી હતી. આ ઘટના બાદ શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો એટલું જ નહીં વિદ્યાર્થીને સંચાલકની ચેમ્બરમાં બોલાવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીને ફરી આવું નહીં કરવા માટે ઠપકો આપવામાં આવ્યો હતો અને સામાન્ય થપાટ મારી હતી. ત્યારબાદ વિદ્યાર્થી સ્વસ્થ રીતે ચેમ્બરની બહાર નીકળતો હોય અને દોડી રહ્યો હોય તેવા સીસીટીવીમાં પણ દ્રશ્ય છે. જોકે વાલી દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ કરી અને હોબાળો કરવામાં આવ્યો હતો. બેથી ત્રણ વાર અલગ અલગ સમયે વાલીઓ આવી અને હોબાળો કરતા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં વાલી દ્વારા આ ઘટનામાં સમાધાન કરવા માટે ૨૫ લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ શાળાના સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં ત્યારબાદ ૨૫ લાખથી ઘટીને પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. જો કે સંસ્થાની બદનામી ન થાય અને આ ઘટના કોઈ મોટું સ્વરૂપ ન લે તેને લઈને શાળાના સંચાલક દ્વારા વિદ્યાર્થીને પોતાની સ્કૂલમાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરે ત્યાં સુધી ફ્રીમાં શિક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી.
બીજી તરફ વાલી દ્વારા પોતાના બંને સંતાનોને ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવે અને તેમના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપવામાં આવે તેવી માંગ કરી હોવાનો આક્ષેપ પણ શાળાના સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ શાળાના સંચાલકના આક્ષેપ સામે વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ વાલીનો સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે આ ઘટનાની પોલીસ ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર એમ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના ૧૯ સપ્ટેમ્બરના રોજ સવારે બની હતી. એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની પર ચિઠ્ઠી ફેંકી હતી. આ મામલે વાલીએ શિક્ષિકા દ્વારા માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. જેને લઈને સ્કૂલના સંચાલક ઇન્દ્રજીત મૌર્ય અને શિક્ષિકા સીમા ગોસ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર ઘટના શું બની હતી તે મામલે તપાસ શરૂ કરી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
