News of Sunday, 4th October 2026
રવિ પાકના બિયારણ માટે 'આઈ-ખેડૂત પોર્ટલ' ખુલ્લું મુકાયું, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદતમાં ૧૫ દિવસનો વધારો : જીતુભાઇ વાઘાણી
આજથી ૧૫ ઓક્ટોબર સુધી રવિ ઋતુના પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકો માટે ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લઈ સરકારે નોંધણીની અંતિમ તારીખ ૯ ઓક્ટોબરથી વધારીને ૨૪ ઓક્ટોબર કરી રાજ્યના મગફળી, મગ, સોયાબીન અને અડદ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની સુવર્ણ તક: કૃષિ મંત્રી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના વ્યાપક હિત અને આર્થિક સમૃદ્ધિને પ્રાધાન્ય આપતા કૃષિ વિભાગ દ્વારા બે અત્યંત મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી રવિ ઋતુમાં સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ ખેડૂતોની સુવિધા અર્થે ૧૫ દિવસની મુદત વધારવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે.
રવિ ઋતુના બિયારણ અને મિની કીટ માટે ૧૫ ઓક્ટોબર સુધી અરજી:
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ખેડૂતો રવિ પાકોનું ઉત્તમ અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકે તે હેતુથી કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકો પૂરા પાડવામાં આવે છે. આ તમામ ઘટકો હેઠળ સહાય અને લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) પર અરજીઓ આવકારવામાં આવી છે. ખેડૂતો આજ તા. ૦૪ ઓક્ટોબરથી આગામી તા. ૧૫ ઓક્ટોબર (કુલ ૧૨ દિવસ) સુધી આ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતો સમયસર અરજી કરીને આ યોજનાઓનો લાભ લે તે ઈચ્છનીય છે.
ખેડૂત પ્રતિનિધિઓની રજૂઆતોને પગલે રજિસ્ટ્રેશન મુદત ૨૪ ઓક્ટોબર સુધી લંબાવાઈ:
બીજા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૦૯ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ વિવિધ વિસ્તારોના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા સરકારી સ્તરે સાનુકૂળ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતા અને પ્રજાહિતના અભિગમથી ધ્યાને રાખીને રજિસ્ટ્રેશન મુદતમાં ૧૫ દિવસનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કયા પાકો માટે અને ક્યાં સુધી નોંધણી થઈ શકશે?
આ નિર્ણયના પરિણામે હવે રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા મુખ્ય ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નવી મુદત મુજબ આગામી તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. મુદત વધારાના કારણે જે ખેડૂતો કોઈ કારણોસર નોંધણી કરાવી શક્યા નહોતા, તેમને હવે પૂરતો સમય મળી રહેશે.
કૃષિ મંત્રીની તમામ ખેડૂતોને ભાવભરી અપીલ:
અંતમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને આગ્રહપૂર્વક અપીલ કરી છે કે, તેઓ સમયમર્યાદા ધ્યાને રાખીને આઈ-ખેડૂત પોર્ટલ પરથી સરકારી યોજનાઓ માટે વહેલી તકે અરજીઓ કરી લે. સાથે જ, ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે લંબાવવામાં આવેલી આ નોંધણી મુદતનો રાજ્યના વધુમાં વધુ ખેડૂતો મહત્તમ લાભ ઉઠાવે તેવો અનુરોધ તેમણે કર્યો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
