તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
"હું તને કાળા જાદુથી મારા જીવનમાં લાવી છું...": પત્નીનો આઘાતજનક દાવો સાંભળી પતિ સ્તબ્ધ, ચાંદખેડામાં પત્ની અને સાસરિયાં વિરુદ્ધ FIR!
મહારાષ્ટ્રની યુવતીએ લગ્ન બાદ તાંત્રિક વિધિઓ અને કાળા જાદુ કરી ત્રાસ આપ્યાનો પતિનો ગંભીર આક્ષેપ; ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવ્યા બાદ પતિ પોલીસ શરણે

અમદાવાદ : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત વિચિત્ર અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં રહેતા એક યુવકે પોતાની જ પત્ની અને સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ કાળો જાદુ, શારીરિક-માનસિક ત્રાસ અને આર્થિક છેતરપિંડી આચરવા અંગે પોલીસમાં ગંભીર ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, પિડિત યુવકના લગ્ન વર્ષ ૨૦૨૫માં મહારાષ્ટ્રની એક યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ પત્નીના વર્તનમાં આઘાતજનક અને વિચિત્ર બદલાવ આવવા લાગ્યો હતો. પત્ની અવારનવાર પતિ પાસે મોટી રકમની માંગણીઓ કરતી હતી અને જો પૈસા ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને સતત માનસિક ત્રાસ આપતી હતી.
તાંત્રિકોના ફોટા બતાવી કાળા જાદુનો દાવો કર્યો
યુવકે પોતાની ફરિયાદમાં ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે, પત્નીના ભૂતકાળમાં પણ ઘણા અફેર્સ રહ્યા હતા. એક દિવસ પત્નીએ પતિને સીધું જ કહી દીધું હતું કે, "હું તને બ્લેક મેજિક (કાળો જાદુ) કરીને મારા જીવનમાં લાવી છું." આટલું જ નહીં, પત્ની પોતાના મોબાઈલ ફોનમાં જુદા જુદા તાંત્રિકોના ફોટોગ્રાફ્સ બતાવીને પતિની મુલાકાત પણ કરાવતી હતી. યુવકના આક્ષેપ મુજબ, તેની પત્નીએ તેના પર બે વાર તાંત્રિક વિધિ પણ કરાવી હતી.
પત્ની સહિત ૬ લોકો સામે પોલીસ સ્ટેશને ફરિયાદ
પત્નીના વિચિત્ર વલણ, તાંત્રિક વિધિઓ અને સાસરિયાઓના સતત ત્રાસથી કંટાળીને આખરે યુવકે કાયદાનો આશરો લેવાનું નક્કી કર્યું હતું. યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની પત્ની અને સાસરિયાં સહિત કુલ ૬ લોકો સામે કાવતરું રચીને રૂપિયા પડાવવા તેમજ માનસિક-શારીરિક ત્રાસ આપવા અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
