<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

'હું ચીલાચાલુ નેતા નથી, માફી નહીં માંગું': વિવાદાસ્પદ નિવેદન પર શંકરસિંહ વાઘેલાનો આક્રમક વળતો પ્રહાર

સાગબારા સભામાં આપેલા 'મેલું ઉપાડવા' અંગેના વિવાદિત નિવેદન બાદ સવર્ણ સમાજના ભારે આક્રોશ સામે પૂર્વ મુખ્યમંત્રીની સ્પષ્ટ ના

ગાંધીનગર : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી સમાજની વિરોધ સભા દરમિયાન 'મેલું ઉપાડવા' અંગે આપેલા નિવેદનને લઈને રાજ્યભરમાં ફાટી નીકળેલા વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. સવર્ણ સમાજ દ્વારા માફી માંગવાની માંગ અને 'વસંત વગડો' ઘેરવાની ચીમકી છતાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે તેઓ પોતાના નિવેદન બદલ ક્યારેય માફી માંગશે નહીં કારણ કે તેઓ કોઈ ચીલાચાલુ નેતા નથી.

પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દુઃખી આદિવાસી ખેડૂતો સાથેના સંવાદમાં આપવામાં આવેલા નિવેદનને ભાજપના લોકોએ સમજ્યા વગર વિવાદમાં ફેરવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પોતાના નિવેદનો ફેરવી તોળતા નથી અને તેમનો મુખ્ય ઇશારો અનામત વિરોધી માનસિકતા ધરાવતા લોકો તરફ હતો, કારણ કે વર્ષો સુધી જેમણે મુશ્કેલીઓ વેઠી છે તેમને મળતું વળતર એટલે અનામત છે. તેમણે ઉમેર્યું કે ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ છે અને કોઈએ પણ તેમની સામે મજાક કરવી નહીં.

આ સમગ્ર વિવાદની શરૂઆત સાગબારાના ખોપી ગામે જંગલની જમીનના ખેડાણ મુદ્દે યોજાયેલી જાહેરસભાથી થઈ હતી, જ્યાં શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે જો વાણિયા, બ્રાહ્મણ કે પટેલ કોઈપણ વ્યક્તિ મેલું ઉપાડવાની નોકરી સ્વીકારે તો તેઓ મહિને 50 હજાર રૂપિયા આપવા તૈયાર છે જેથી તેમને આદિવાસીઓની અસલી સ્થિતિનો ખ્યાલ આવે. આ નિવેદન બાદ બ્રહ્મસમાજ અને પાટીદાર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ત્રણ દિવસમાં જાહેરમાં માફી નહીં માંગવામાં આવે તો ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન 'વસંત વગડો' ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સવર્ણ સમાજના અગ્રણીઓએ આ નિવેદનને વર્ગવિગ્રહ અને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન પર અડગ રહ્યા છે. માફી માંગવાનો સાફ ઇનકાર કરી દેવાને કારણે આગામી દિવસોમાં આ રાજકીય અને સામાજિક વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલનને વધુ તીવ્ર બનાવવાની રણનીતિ પર વિચારણા થઈ રહી છે.

(2:43 PM IST)