<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

પતિ ‘મોનિકા' સાથે ઝાડીઓ પાછળ રંગરેલિયા મનાવતો ઝડપાયો

સમાધાન બાદ પણ પ્રેમિકાને ફરવા લઈ ગયો ને પત્‍ની પર ગુજાર્યો અત્‍યાચાર : અમદાવાદના ચાંદખેડામાં ૪૩ વર્ષીય મહિલાએ પતિના ‘મોનિકા' નામની યુવતી સાથેના અફેરનો પર્દાફાશ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે

અમદાવાદ,તા.૦૩: શહેરના ચાંદખેડા વિસ્‍તારમાં લગ્નના ૧૦ વર્ષ બાદ પતિના અન્‍ય યુવતી સાથેના અફેરનો પર્દાફાશ થતાં ઘરકંકાસનો કરુણ અંત પોલીસ મથકે પહોંચ્‍યો છે. ઓફિસમાં કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતા પતિએ બાબતની જાણ થતાં પત્‍નીને ઢોર માર મારી, બચકા ભરી અને જબરદસ્‍તીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પત્‍નીએ સાસુને ફરિયાદ કરતા તેમણે પણ પુત્રનો પક્ષ લઈ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળીને ૪૩ વર્ષીય પીડિતાએ ચાંદખેડા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાવ્‍યો છે.

ચાંદખેડામાં રહેતી ૪૩ વર્ષીય મહિલાએ વર્ષ ૨૦૧૨માં બીજા લગ્ન કર્યા હતા. લગ્નના દસ વર્ષ બાદ પતિના મોબાઈલ ફોનમાંથી ‘મોનિકા' નામની યુવતી સાથેની પ્રેમભરી ચેટિગ પત્‍નીના હાથે ઝડપાઈ ગઈ હતી. શરૂઆતમાં પતિએ તે માત્ર કંપનીમાં સાથે કામ કરતી મિત્ર હોવાનું કહીને જુઠ્ઠાણું ચલાવ્‍યું હતું અને ત્‍યારબાદ ફોનનો પાસવર્ડ બદલી નાખ્‍યો હતો. જોકે, એક દિવસ મહિલાએ તેના પિતા સાથે મળીને ગાર્ડન પાસે ઝાડીઓ પાછળ પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડ્‍યો હતો. એ સમયે મામલો ઘાટલોડિયા પોલીસ સ્‍ટેશને પહોંચતા પતિએ માફી માંગીને સમાધાન કરી લીધું હતું.

સમાધાન કાગળ પર જ રહ્યું અને પતિ સુધરવાને બદલે પ્રેમિકાને મુંબઈ ફરવા લઈ ગયો હતો. આ વાતની જાણ થતાં જ પત્‍નીએ પોતાની બે મોટી થતી દીકરીઓના ભવિષ્‍યનો હવાલો આપીને પતિને પરષી સાથેના સંબંધો વિશે ટોક્‍યો હતો. તેનાથી ઉશ્‍કેરાઈ ગયેલા પતિએ પત્‍નીને બેડ પર પાડી દીધી હતી અને ગાલ પર લાફા ઝીંકી ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકતા, પતિએ શરીર પર બે-ચાર જગ્‍યાએ બચકા ભરી લીધા હતા અને તેની સાથે જબરદસ્‍તીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પતિના આ ક્રૂર વર્તન અંગે જ્‍યારે પીડિતાએ પોતાની સાસુને વાત કરી, ત્‍યારે સાસુએ પોતાના પુત્રની ભૂલ છાવરીને ઊલટાનું વહુ સાથે ઝઘડો કરી તેને ઘરમાંથી હાંકી કાઢી હતી. પરિવારના સભ્‍યો દ્વારા જ થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધ્‍યો હતો. ચાંદખેડા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(1:34 PM IST)