<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મહત્વાકાંક્ષા પૂરી કરવા 'હ્યુમન ઇન્ટેલિજન્સ' અનિવાર્ય: અદાણી યુનિવર્સિટી ખાતે ડૉ. પ્રીતિ અદાણીનું આહ્વાન

ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં દેશને અગ્રેસર બનાવવા ઉદ્યોગજગત અને શિક્ષણજગત વચ્ચે મજબૂત સહયોગ જરૂરી: CHIPS ૨૦૨૬ કોન્ક્લેવમાં વૈશ્વિક નિષ્ણાતોનું મંથન

અમદાવાદ : દેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર અને વૈશ્વિક લીડર બનાવવા માટે માત્ર અદ્યતન ઉત્પાદન સુવિધાઓ પૂરતી નથી, પરંતુ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (માનવ બુદ્ધિ)નો વિકાસ કરવો એટલો જ અનિવાર્ય છે, તેમ અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું છે. અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત 'કોન્ક્લેવ ઓન હાર્ડવેર, ઇનોવેશન, પ્રોસેસિંગ એન્ડ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ' (CHIPS) ૨૦૨૬ને સંબોધતા તેમણે ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા શિક્ષણ અને ઉદ્યોગજગત વચ્ચે વધુ ગાઢ ભાગીદારી સ્થાપિત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

કોન્ક્લેવ દરમિયાન ડૉ. અદાણીએ ઉમેર્યું હતું કે, આપણી ટેકનોલોજીકલ પ્રગતિનો સાચો માપદંડ એ નથી કે આપણા મશીનો કેટલા બુદ્ધિશાળી છે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણે એક બહેતર ભવિષ્યના નિર્માણ માટે માનવ બુદ્ધિનો કેટલો સમજદારીપૂર્વક વિકાસ અને ઉપયોગ કરીએ છીએ. જટિલ ટેકનોલોજીની ડિઝાઇન, વિકાસ અને સુધારણા કરી શકે તેવા કુશળ એન્જિનિયરો અને સંશોધકો તૈયાર કરવા એ સમયની માંગ છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે, જેમાં ગુજરાતના ધોલેરા અને સાણંદ ખાતેના પ્રોજેક્ટ્સ રાજ્યને ગ્લોબલ હબ બનાવવા તરફ દોરી રહ્યા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં એડવાન્સ ચિપ્સ, ડેટા સેન્ટર્સ અને વિશ્વસનીય પાવર સપ્લાયની માંગમાં વિસ્ફોટક વધારો થઈ રહ્યો છે. ભારતની આકાંક્ષાઓ માત્ર ચિપ ફેબ્રિકેશન પૂરતી સીમિત ન રહેતા ચિપ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ ક્ષેત્રે પણ વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરવા સુધી વિસ્તરેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણી યુનિવર્સિટી પોતાના અમદાવાદ સ્થિત મલ્ટિડિસિપ્લિનરી ગ્લોબલ કેમ્પસમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન અને પેકેજિંગ ક્ષેત્રે યુવાનોને તૈયાર કરવા ખાસ શૈક્ષણિક પહેલો શરૂ કરી રહી છે.

આ પહેલો અંતર્ગત યુવા એન્જિનિયરો માટે વિશિષ્ટ ડિગ્રી અને પ્રમાણપત્ર કાર્યક્રમો, ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એક્ઝિક્યુટિવ એજ્યુકેશન તેમજ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સદ્ધાંતિક શિક્ષણ અને સંશોધનને ઉદ્યોગજગતની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવાનો છે, જેથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ સીધા જ ઉદ્યોગમાં યોગદાન આપવા માટે સક્ષમ બની શકે.

CHIPS ૨૦૨૬ કોન્ક્લેવમાં વિશ્વની અગ્રણી સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી કંપનીઓના અગ્રણી નિષ્ણાતોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પરિષદમાં ક્વાલકોમ (Qualcomm), એનએક્સપી સેમિકન્ડક્ટર્સ (NXP Semiconductors), માઇક્રોન ટેકનોલોજી (Micron Technology), સિનોપ્સિસ (Synopsys), સિરિલ અમરચંદ મંગળદાસ અને ઇન્ફિનિયોન ટેકનોલોજીસ (Infineon Technologies) જેવી દિગ્ગજ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કોન્ક્લેવમાં હાજર રહેલા નિષ્ણાતોએ વાયરલેસ ટેકનોલોજી, મેમરી એન્ડ સ્ટોરેજ, પાવર સિસ્ટમ્સ અને લીગલ ફ્રેમવર્ક જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતમાં ઊભી થઈ રહેલી નવી તકો અને તેને ઝડપી લેવા માટે જરૂરી વ્યૂહરચનાઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું મંથન કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યના રોડમેપ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

(6:48 PM IST)