News of Tuesday, 19th May 2026
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો : નજીવી બાબતે બંને પક્ષો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
ભાસ્કરના વાળા વિસ્તારમાં નજીવી બાબતને લઈને બે પક્ષો સામસામે :અચાનક થયેલા આ હુમલા અને પથ્થરમારાને કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો હતો. ભાસ્કરના વાળા વિસ્તારમાં નજીવી બાબતને લઈને બે પક્ષો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે બંને પક્ષો વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ હિંસક અથડામણને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આ મારામારી માત્ર સામાન્ય ઝઘડા પૂરતી સીમિત ન રહી, પરંતુ બંને પક્ષો દ્વારા એકબીજા પર ભારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા આ હુમલા અને પથ્થરમારાને કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક ઘટનામાં બંને પક્ષના કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેને પગલે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. જોકે, ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ મામલો થાળે પાડ્યો હતો. રાવપુરા પોલીસે આ સમગ્ર મામલાને લઈને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઝઘડો કયા કારણોસર શરૂ થયો અને તેની પાછળ મુખ્ય સૂત્રધારો કોણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
