News of Thursday, 21st May 2026
રોજગાર-તાલીમ ખાતાના કર્મચારી મંડળના પ્રમુખની બદલી કરાતા ભારે રોષઃ બદલીના નિયમોનું ઉલ્લઘન

રાજકોટ, તા. ર૧: રોજગાર અને તાલીમ ખાતાના વહીવટી કર્મચારી મંડળના પ્રમુખની જાહેર હિતાર્થે કરાયેલી બદલીના વિરોધમાં કર્મચારીઓમાં ભારે રોષ છે, તમામ કર્મચારીઓ દ્વારા આ બદલીને અન્યાયી અને તાનાશાહી ગણાવીને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ અને મંત્રી કાંતિભાઇ અમળતિયાને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રોજગાર અને તાલીમ ખાતાના વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા સિનિયર કારકુન ગુંજન પટેલની વડી કચેરી ખાતેથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોલેરા ખાતે બદલી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
કર્મચારીઓએ સામાન્ય વહીવટ વિભાગ ના તા. ૨૫/૧૧/૨૦૦૫ના ઠરાવની જોગવાઈઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, નિયમ મુજબ સરકાર માન્ય મંડળોના મુખ્ય હોદ્દેદારો જ્યાં સુધી પોતાના હોદ્દાની મુદત પૂરી ન કરે ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં તેમની બદલી કરી શકાય નહીં. આ બદલી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે.
અવાજ દબાવવાનો પ્રયાસૅઆ અણધારી બદલીના પગલે સમગ્ર કર્મચારી આલમમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે આ બદલી કોઈ પણ કારણ, વાંક-ગુના કે તપાસ વિના, માત્ર કર્મચારીઓનો અવાજ દબાવી દેવાની તરકીબ અને રાગદ્વેષની ભાવનાથી કરવામાં આવી છે.
ખાતાના વડા દ્વારા અવારનવાર સિનિયર કર્મચારીઓ અને અધિકારીઓને નોટિસ, સસ્પેન્શન તેમજ બદલીની ધાક-ધમકીઓ આપીને અપમાનજનક વર્તન કરવામાં આવે છે જે ન્યાયોચિત નથી.
રોજગાર અને તાલીમ કચેરીના અસંખ્ય કર્મચારીઓએ દ્રારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન સાથે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તેમજ મંત્રી કાંતિભાઇ અમળતિયાને રજૂઆત કરવામાં આવી હતી. વહીવટી મંડળના પ્રમુખ વિરુદ્ધ કરાયેલા આ નિયમ-વિરુદ્ધના આદેશને સત્વરે રદ કરવામાં આવે અને તેઓને ધોલેરાથી પરત મૂળ વડી કચેરી ખાતે પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
