<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

તહેવારોમાં પગાર નહીં થતા ભારે રોષ :નવસારી મનપાના તમામ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા : કામગીરી ખોરવાઈ

મહાનગરપાલિકાની રચના થયા બાદ પણ પગાર અને ભથ્થામાં વધારો ન કરાયો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ

નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ, માઇનોર, સેનેટરી, દબાણ અને ફાયર સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં અનેક કામગીરી ખોરવાઈ છે. તહેવારોના સમયમાં પગાર ન થતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની રચના થયા બાદ પણ પગાર અને ભથ્થામાં વધારો ન કરાયો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો અને સ્થાનિક ધારાસભ્ય તરફથી યોગ્ય જવાબ ન મળતાં કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં પાણી પુરવઠાની કામગીરીને અસર થઈ છે. બીજી તરફ, 300થી વધુ સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતાં શહેરની સ્વચ્છતા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ફાયર સહિતના મહત્વના વિભાગોના કર્મચારીઓ હડતાળ પર હોવાથી અન્ય સેવાઓને પણ અસર થવાની આશંકા છે. કર્મચારીઓના આંદોલનને પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

(11:54 AM IST)