<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

હિંમતનગરમાં HUDA આખરે સંપૂર્ણપણે રદ: 100 દિવસના ઉગ્ર આંદોલન અને ખેડૂતોના વિરોધ બાદ રાજ્ય સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, સ્થાનિકોમાં ખુશીની લહેર

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં ચાલેલા લાંબા આંદોલનનો આવ્યો અંત, સરકારે જાહેરનામું બહાર પાડી HUDA રદ કરતા ખેડૂતો અને નાગરિકોએ વિજય સરઘસ કાઢી ઉજવણી કરી

હિંમતનગર તા.૨૦ : હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે HUDAને લઈને છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા ઉગ્ર આંદોલનનો આજે 20 મેના રોજ અંત આવ્યો છે. રાજ્ય સરકારે આખરે ખેડૂતો અને સ્થાનિકોની માંગણી સ્વીકારીને HUDAને સંપૂર્ણપણે રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ સમગ્ર હિંમતનગર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

 

મળતી વિગતો મુજબ, હિંમતનગર અને આસપાસના ગામોને HUDAમાં સમાવવાના સરકારના નિર્ણય સામે છેલ્લા 100 દિવસથી ખેડૂતો, ખેડૂત આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા સતત આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આંદોલનકારીઓનો આક્ષેપ હતો કે HUDAના કારણે ખેડૂતોની ખેતીલાયક જમીન જતી રહેશે અને ગામડાઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે. 

 

આ મુદ્દે અનેક વખત રેલીઓ, આવેદનપત્રો, મહાપંચાયત અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ એકસૂરમાં HUDA રદ કરવાની માંગ કરી હતી. લાંબા આંદોલન અને જન આક્રોશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને સંપૂર્ણપણે રદ કરી દીધી છે.

 

સરકારના આ નિર્ણયની જાણ થતા જ હિંમતનગરમાં ખેડૂતો અને સ્થાનિકોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને વિજય સરઘસ કાઢી ઉજવણી કરી હતી. આંદોલનકારી આગેવાનોએ જણાવ્યું હતું કે આ ખેડૂત એકતાનો વિજય છે. 100 દિવસની લડત બાદ સરકારને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો પડ્યો છે.

 

 

 

સરકારનો આદેશ

 

 

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જનહિત અને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને હિંમતનગર HUDA રદ કરવામાં આવે છે. હવેથી હિંમતનગર અને સમાવિષ્ટ ગામોની TP સ્કીમ કે વિકાસની કામગીરી HUDA હેઠળ કરવામાં આવશે નહીં.

(4:23 PM IST)